દિવાન હાઉસિંગ ફાયનાન્સ કોર્પોરેશનના ૧૨ સ્થળો પર દરોડા
મુંબઈ, એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ (ઈડી) એ દિવાન હાઉસિંગ ફાયનાન્સ કોર્પોરેશન લિમિટેડ અને તેની સાથે સંકળાયેલી કંપનીઓના ૧૨ સ્થળો પર શનિવારે દરોડા પાડ્યા છે. દાઉદ ઈબ્રાહિમના સહયોગી ઈકબાલ મિર્ચી સામે મની લોન્ડરીંગની તપાસના સંદર્ભમાં આ દરોડા પાડવામાં આવ્યા હતા.
ઈડી સનબ્લિંક રિઅલ એસ્ટેટ કંપની સાથે ઈકબાલ મિર્ચીના આર્થિક વ્યવહારની તપાસ કરી રહી છે. ડીએચએફએલએ સનબ્લિંકને ૨.૧૮૬ કરોડ રૂપિયાની લોન આપી હતી. ઈડીને એવી આશંકા છે કે આ રકમ સનબ્લિંક મારફતે મિર્ચી અને તેના સહયોગીઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવેલ છે ડીએચએફએલ આરોપોને નકારી ચુક્યું છે.
ઈડીના અધિકારીઓએ જણાવ્યું હતું કે દસ્તાવેજોમાં મની લોન્ડ્રીંગના પૂરાવા તપાસવામાં આવી રહ્યા છે. ઈડીએ મિર્ચીના પરિવાર સાથે પ્રોપર્ટીના વ્યવહારના આરોપમાં એનસીપી નેતા પ્રફુલ પટેલની પણ ગઈકાલે પૂછપરછ કરવામાં આવી હતી. પટેલે પણ તેમના પર લાગેલા આરોપનો ઇન્કાર કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે મિર્ચીનું ૨૦૧૩માં લંડનમાં મૃત્યુ થયું હતું. તે ડ્રગ તસ્કરી અને હપ્તા વસુલી સાથે જોડાયેલ કેસોમાં દાઉસનો નજીકનો માનવામાં આવતો હતો.