વડોદરામાં પૂર્વ પ્રેમીએ પરિણીત પ્રેમિકાને છરી ભોંકી દીધી
વડોદરા, શહેરની તૃષા અને સુરતની ગ્રીષ્મા વેકરિયા હત્યાકાંડ હજી લોકોના મનમાં તાજી છે ત્યારે વધુ એક પ્રેમીએ પ્રેમિકાની ઘાતકી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વડોદરા નજીક આવેલા ડેસરમાં પૂર્વ પ્રેમીએ પરિણીત પ્રેમિતાની પીઠમાં છરો ભોંકીને હત્યાનો પ્રયાસ કર્યો છે.
યુવકે યુવતીના ઘરે જઇને કહ્યુ હતુ કે, ‘તું મારી નહીં તો તને કોઇની નહીં થવા દઉં.’ યુવતીના પરિવારે પણ પ્રેમી પર હુમલો કરવાનું સામે આવ્યું છે. હાલ આ બંને યુવક અને યુવતી સારવાર હેઠળ છે. નોંધનીય છે કે, યુવક અને યુવતીના પરિવારે એકબીજા સામે પોલીસ ફરિયાદ કરી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, ડેસરના નહારા ગામમાં પૂર્વ પ્રેમી દ્વારા પ્રેમિકાનો છરો ભોંકીને હત્યાનો પ્રયાસ થયો છે.
ડેસર પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદમાં જણાવાયુ છે કે, યુવતીના લગ્ન ૨૦ દિવસ પહેલા જ અન્ય એક યુવક સાથે થયા હતા. લગ્ન પહેલા યુવતીને ગામના જ શક્તિસિંહ પરમાર નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. પરંતુ લગ્ન બાદ તેની સાથે કોઇ સંબંધ રાખ્યો ન હતો.
યુવતી કૌટુંબિક કાકાના ત્યાં લગ્ન પ્રસંગમાં ગઇ હતી. જ્યાં પૂર્વ પ્રેમી શક્તિસિંહ આવ્યો હતો અને તેણે તું મારી સાથે કેમ પ્રેમ સંબંધ રાખતી નથી. તું મારી સાથે પ્રેમ સંબંધ નહીં રાખે તો, હું તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જાેકે લગ્ન પ્રસંગ હોવાથી યુવતીએ આ અંગે કોઇને જાણ કરી ન હતી.
લગ્ન પૂર્ણ થયા બાદ રાત્રે નવ વાગ્યાની આસપાસ યુવતી તેની બેઠી હતી ત્યારે શક્તિસિંહ અચાનક ત્યાં હાથમાં છરો લઇને ત્યાં આવી ગયો હતો. શક્તિસિંહે ત્યાં આવીને યુવતીને બાથમાં ભીડીને ધમકીના સૂરમાં જણાવ્યુ હતુ કે, તું મારી નહીં થાય તો તને બીજાની નહીં થવા દઉ, આજે તો હું તને પતાવી દઇશ. જે બાદ શક્તિસિંહે યુવતીની પીઠમાં છરો ભોંકી દીધો હતો. જે બાદ યુવતીએ બૂમાબૂમ કરી હતી.
જે સાંભળીને ભાઇ દોડી આવ્યો હતો અને તેની સાથે ઝપાઝપી થઇ હતી. જે બાદ યુવતીને પહેલા સાવલી ખાતેની હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. જે બાદ વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. બીજી બાજુ શક્તિસિંહના પિતાએ પણ પોલીસ ફરિયાદ કરી છે. જેમાં જણાવ્યુ છે કે, દીકરાને યુવતીના પરિવારે પ્રેમ સંબંધ છે કે નહીં તે પૂછવા માટે બોલાવ્યો હતો.
ત્યારે શક્તિસિંહે કહ્યુ હતુ કે, તે મને ફોન કરે છે, મારે તેની સાથે કોઇ સંબંધ રાખવો નથી. આ દરમિયાન યુવતીનો ભાઇ પાવડો લઇને આવ્યો હતો અને માથામાં માર્યું હતુ. જેના કારણે શક્તિસિંહને માથામાં વાગ્યુ હતુ. હાલ શક્તિસિંહને સાવલીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો છે.SSS