અંબુજા અને ACCમાં હિસ્સો હસ્તગત કરતું અદાણી ગ્રુપ
(એજન્સી)મુંબઈ, અદાણી ગ્રુપે ભારતની બે અગ્રિમ સિમેન્ટ કંપની અંબુજા સિમેન્ટ લીમીટેડ અને એસીસી લીમીટેડમાં સ્વિઝલેન્ડ સ્થિત હોલસીમ લીમીટેડનો સંપૂર્ણ હિસ્સો ખરીદી લીધાની જાહેરાત કરી છે. અદાણી ગ્રુપે હોલસીમ લીમીટેડની બંને સીમેન્ટ આશરે ૧૦.પ૦ અબજ ડોલરમાં હસ્તગત કરી છે. અદાણી દ્વારા આને અત્યાર સુધીનો સૌથી મોટો સોદો માનવામાં આવે છે.
આ ઉપરાંત તે ભારતની પણ અત્યાર સુધીની સૌથી મોટી એમ એન્ડ એ ડીલ માનવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે એસીસી એટલે કે એસોસીએટ સીમેન્ટ કંપનીઝમાં હોલસીમ કંપની માલીકી હિસ્સો ધરાવે છે. તે સ્વિઝલેન્ડની બિલ્ડીંગ મટીરીયલ કંપની છે.
એસીસીની શરૂઆત ૧લી ઓગષ્ટ ૧૯૩૬ના રોજ મુંબઈમાં થઈ હતી. તે સમયે અનેક ગ્રુપ સાથે મળી તેની શરૂઆત કરી હતી. એસીસીમાં અંબુજા સિમેન્ટ પ૦.૦પ% હિસ્સો ધરાવે છે. જયારે હોલસીમનો ૪.૪૮% હિસ્સો છે. હોલસીમના ભારત સ્થિત બિઝનેસ ખરીદવા માટે એસીસીના ર૬% હિસ્સા માટે ઓપન ઓફર કરવાની રહેશે. આ ઓપન ઓફર રૂપિયા ૧૦,૮૦૦ કરોડ એટલે કે ૧.૪ર અબજ ડોલરની હોઈ શકે છે.