દેશમાં કોરોનાના કેસ ઘટ્યા પણ મૃત્યુઆંકમાં વધારો
નવી દિલ્હી, દેશમાં કોરોનાના કેસ ઘટવા લાગ્યા છે. ગત ૪ અઠવાડિયામાં થયેલા વધારા બાદ રવિવારે કેસોમાં આશરે ૨૦ ટકાનો ઘટાડો નોંધાયો હતો. તેમજ દિલ્હી-એનસીઆરમાં પણ કોરોનાનું સંક્રમણ ઓછું થઈ રહ્યું છે.
દેશમાં ૯થી ૧૫ મે વચ્ચે એટલે કે ગત અઠવાડિયે કોરોનાના ૧૮,૫૦૦ નવા કેસ નોંધાયા હતા, જ્યારે તેના પહેલા ૨થી ૮ મે વચ્ચે આશરે ૨૩,૦૦૦ નવા કેસ સામે આવ્યા હતા. આમ અઠવાડિયાના આધાર ઉપર કેસ ઘટ્યા છે પરંતુ આ દરમિયાન કોરોના મૃત્યુમાં સામાન્ય વધારો થયો છે.
જેમ કે ૨થી ૮ મે દરમિયાન ૨૦ લોકોના મોત થયા હતા પરંતુ ૯થી ૧૫ મે દરમિયાન ૩૪ લોકોના મોત થયા હતા જેનું કારણ દિલ્હીમાં થયેલા ૧૬ લોકોનું મોત હતું. જે ૨૭ ફેબ્રુઆરી પછીનો રાજધાનીમાં મૃત્યુનો સૌથી મોટો આંકડો છે. દિલ્હીમાં ગત સપ્તાહે સંક્રમણના કેસોમાં ૩૭ ટકાનો ઘટાડો થયો છે.
ગત સપ્તાહે દિલ્હીમાં કોવિડ-૧૯ના ૬,૧૦૪ નવા કેસ નોંધાયા હતા જે તેના આગળના સપ્તાહના ૯,૬૯૪ કેસ કરતાં ઘણા ઓછા છે. આમ કહી શકાય કે દિલ્હી-એનસીઆર તેમજ એનસીઆરમાં રહેલા હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં કોવિડ-૧૯નો પ્રકોપ ઘટી રહ્યો છે.
હરિયાણામાં ૯થી ૧૫ મે દરમિયાન કેસની સંખ્યા ૨૮ ટકા ઘટીને ૨,૫૯૩ અને યુ.પી.માં ૨૩ ટકા ઘટીને ૧,૩૫૧ જેટલી નોંધાઈ છે. નવા કેસ ઘટવાના કારણે દેશમાં કોરોનાના સક્રિય કેસ ગત રવિવારે ૨૦,૪૦૦ની જગ્યાએ ઘટીને ૧૭,૩૦૦ થઈ ગયા છે. દિલ્હી, હરિયાણા અને યુ.પી. આ ત્રણ રાજ્યોમાં કેસ ઘટ્યા પરંતુ અન્ય રાજ્યોમાં વધ્યા.
મહારાષ્ટ્રમાં સાપ્તાહિક સંખ્યા ૧૩ ટકા વધીને ૧,૫૬૨ થઈ ગઈ, જ્યારે કેરલમાં ૩,૦૦૦ નવા કેસ નોંધાયા જે ગત સપ્તાહના ૨,૫૧૬ કરતા વધારે છે. ગત સપ્તાહ દરમિયાન ગુજરાતમાં ૪૪ ટકા, આંધ્ર પ્રદેશમાં ૪૪ ટકા, મધ્ય પ્રદેશમાં ૩૧ ટકા, તેમજ બંગાળમાં ૮ ટકા કેસ વધ્યા છે. આ બધા રાજ્યોમાં કુલ સંક્રમિતોની સંખ્યા હજું ઘણી ઓછી છે.SSS*