આમોદ પાલિકામાં ત્રાહિત વ્યક્તિ દ્વારા સરકારી ફાઈલો ચેક કરતો વીડિઓ વાયરલ થતાં હડકંપ
(પ્રતિનિધિ)ભરૂચ, આમોદ નગરપાલિકા ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે તેમજ આમોદ પાલિકામાં ચૂંટાયેલા મહિલાઓના પતિ જ વહીવટ કરતા હોવાની અનેક વખત આમોદમાં ચર્ચાઓ જાગી હતી .ત્યારે આમોદ પાલિકામાં ચૂંટાયેલી મહિલાનો પતિ મોહસીન શેઠ આમોદ પાલિકાના ઇજનેરની ઓફિસમાં બેસીને આરામથી ફાઈલો ચેક કરતો વીડિઓ વાયરલ થતા આમોદ પાલિકામાં હડકંપ મચી જવા પામ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પાલિકામાં ચાલતા કથિત ભ્રષ્ટાચાર બાબતે આમોદ પાલિકામાં અપક્ષ ચૂંટાયેલા નગર સેવક અક્ષર પટેલે આમોદ પાલિકા પાસે વિકાસના થયેલા કામોની જરૂરી માહિતી માંગી હતી.પરંતુ અધિકારીઓએ ગલ્લાટલ્લા કર્યા હતા. જેથી અપક્ષ નગર સેવકે આરટીઆઈ (માહિતી અધિકાર કાયદા) હેઠળ માહિતી માંગી હતી. જે બાબતે આમોદ પાલિકાના મુખ્ય અધિકારીએ અક્ષર પટેલને માહિતી માટે પચાસ હજાર ચૂકવી માહિતી લઈ જવાનો પત્ર મોકલ્યો હતો.
ત્યારે આમોદ નગર પાલિકામાં ત્રાહિત વ્યક્તિ મોહસીન શેઠ જે આમોદ પાલિકામાં કોઈ હોદ્દો ધરાવતો નથી કે આમોદ પાલિકાનો કોઈ કર્મચારી નથી પરંતુ એક માત્ર મહિલા સદસ્યનો પતિ હોવાથી પાલિકા ઇજાનેરની ખુરશી ઉપર બેસીને આરામથી સરકારી કાગળો ચેક કરી રહ્યો છે. ઉપરાંત પાલિકા ઈજનેર બાજુમાં ઉભો રહીને કમ્પ્યુટર ઉપર કંઈક જોઈ રહ્યો છે.
આમોદ પાલિકામાં એક બાજુ વિકાસના કામોનો માહિતી અધિકાર હેઠળ હિસાબ માંગતા અપક્ષ નગર સેવકને પચાસ હજાર રૂપિયા ભરવાની આમોદ પાલિકા પત્ર મોકલે છે અને બીજી બાજુ ત્રાહિત વ્યક્તિ આરામથી પાલિકાની સરકારી ફાઈલો ચેક કરે છે ત્યારે આમોદ પાલિકાના મુખ્ય અધિકારી આવા ત્રાહિત વ્યક્તિ તેમજ પાલિકાના ઈજનેર સામે કેવી કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. આ બાબતે આમોદ પાલિકાના ઈજનેર કિરણ મકવાણા નો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે ફોન ઉપાડવાની તસ્દી પણ લીધી નહોતી. જ્યારે મુખ્ય અધિકારી રાહુલ ઢોડિયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે મેં હજુ વીડિઓ જોયો નથી. વીડિઓ જોયા પછી કાલે ખુલાસો માંગીશ.