ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ખાતે દેશનો સૌપ્રથમ મેગા લીગલ સર્વિસ કેમ્પ યોજાયો
(પ્રતિનિધિ)ભરૂચ, સર્વોચ્ચ અદાલતના ન્યાયમુર્તિ એમ.આર.શાહે જણાવ્યું કે, ન્યાયિક સેવા એ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે.નેશનલ લીગલ સર્વિસ / રાજ્ય લીગલ સર્વિસ / જિલ્લા લીગલ સર્વિસ અને તાલુકા લીગલ સર્વિસ ઓથોરીટી દરેકને મફત અને કાનુની ન્યાય – સહાય મળે તે માટે સતત કાર્યરત છે.
સમાજમાં થતાં ઝઘડા / તકરાર નિવારણ માટે દરેક તાલુકા – જિલ્લા કોર્ટોમાં તકરાર નિવારણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. આ કેન્દ્રોનો મહત્તમ લાભ લેવા તેમણે અનુરોધ કર્યો હતો. નાણાંના અભાવે કોઈ પણ નાગરિક ન્યાયથી વંચિત ન રહે તે માટે ન્યાયતંત્ર સંકલ્પબધ્ધ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરીટી (નાલસા), નવી દિલ્હીના નેજા હેઠળ તથા ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન અને ભરૂચ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા ભરૂચ જિલ્લા પ્રશાસનના સહયોગથી ભરૂચના શુકલતીર્થ ખાતે દેશનો સૌપ્રથમ મેગા લીગલ સર્વિસીસ કેમ્પ યોજાયો હતો.
આ મેગા લીગલ સર્વિસીસ કેમ્પમાં ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાઓના કુલ ૨૮૧૨ જેટલા લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાકીય લાભોનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામા આવ્યું હતું. આ કેમ્પમાં ખેતીવાડી શાખા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, નાયબ નિયામક અનુસુચિત જાતિ કલ્યાણ, પ્રાયોજના વહીવટદારની કચેરી, વિવિધ તાલુકાની મામલતદાર કચેરીઓ, ભરૂચ નગરપાલિકા, પુરવઠા શાખા, તાલુકા હેલ્થ કચેરીઓ દ્વારા લાભાર્થીઓને જુદી જુદી યોજનાઓ હેઠળ લાભ આપવામાં આવ્યા હતા. આ મેગા લીગલ સર્વિસીસ કેમ્પનું આયોજન લાભાર્થીઓ સ્વાવલંબી બની આત્મગૌરવથી જીવન જીવી શકે તેવા ઉમદા હેતુ માટે કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ વિવિધ સ્ટોલની મુલાકાત પણ લીધી હતી.