દેશની વધુ એક બેંક સાથે 1,100 કરોડનું કૌભાંડ
નવી દિલ્હી, છેલ્લા કેટલાક સમયથી દેશની અમુક બેંકો સાથે છેતરપિંડી અને કૌભાંડ થયા હોવાના મામલાઓ સામે આવી રહ્યા છે. જેના કારણે એવી બેંકોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. ત્યારે હવે દેશની વધુ એક બેંક સાથે કરોડો રૂપિયાનું કૌભાંડ થયા હોવાની માહિતી મળી છે.
મીડિયા રિપોર્ટ મુજબ જમ્મુ-કાશ્મીર બેંક(J&K BANK)માં 1,100 કરોડ રૂપિયાની કથિત લોન છેતરપિંડીના મામલે એન્ટી કરપ્શન બ્યૂરો(ACB)એ FIR નોંધી છે. અધિકારીઓ આ માહિતી આપી. આ મૂડી બેંક દ્વારા રાઇસ એક્સપોર્ટ્સ ઇન્ડિયા(REI) એગ્રો લિમિટેડને આપવામાં આવી હતી. રિપોર્ટ પ્રમાણે એસીબીના પ્રવક્તાએ કહ્યું કે FIR નોંધી ત્વરિત ધોરણે અલગ-અલગ ટીમોએ બેંકના ભૂતપૂર્વ અધ્યક્ષ મુસ્તાક અહેમદ શેખ સહિત 12થી વધુ આરોપી બેંક અધિકારીઓના કાશ્મીર, જમ્મુ અને દિલ્હી સ્થિત ઘરો પર દરોડા પાડ્યા હતા. જેમાં કાશ્મીરમાં 9, જમ્મુમાં 4 અને દિલ્હીમાં 3 ઠેકાણા સામેલ છે.
રિપોર્ટ મુજબ તેમને કહ્યું કે આરઈઆઈ એગ્રોના અધ્યક્ષ સંજય ઝુનઝુનવાલા અને ઉપપ્રમુખ અને મેનેજિંગ ડિરેક્ટર સંદીપ ઝુનઝુનવાલાના દિલ્હી આવેલ ઘરોમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. પ્રવક્તાએ કહ્યું કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને ત્રણ ટીમ રાષ્ટ્રીય રાજધાનીમાં દરોડા પાડી રહી છે. પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું છે કે, બેંકની મુંબઈ અને અંસલ પ્લાઝા નવી દિલ્હી શાખાના અધિકારીઓએ બનાવટી દસ્તાવેજોના આધારે મેસર્સ આરઇઆઈ એગ્રો લિમિટેડને 800 કરોડ રૂપિયાની લોન આપી હતી. આ લોન મંજૂર કરતા સમય બેંક દ્વારા નિર્ધારિત તમામ નિયમોની અવગણના કરવામાં આવી હતી અને બેંક નાણાકીય વર્ષ 2014માં NPA થયું હતું.