ભરૂચની મનિષાનંદ સોસાયટીમાં ઈલેક્ટ્રિકની દુકાનમાં આગ, તમામ સામાન બળીને ખાખ
(વિરલ રાણા) ભરૂચ,
ભરૂચમાં લિંકરોડ પર આવેલ મનિષાનંદ સોસાયટીમાં બુધવારની સવારના સમયે ઈલેક્ટ્રિકની દુકાનમાં શોટસર્કિટના કારણે આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.તો આગના પગલે ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનોએ ફાયર ટેન્ડરો સાથે ધસી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.પરંતુ આગના પગલે દુકાન માં રહેલો તમામ સમાન બળીને ખાખ થઈ જતા લાખો રૂપિયાનું નુકશાન થવા પામ્યું હતું.
ભરૂચના લિંકરોડ ઉપર આવેલ મનિષાનંદ સોસાયટીમા રહેતા મીનેશભાઈ મહેતા તેમના ઘરમાં નીચેના ભાગે મોઢેશ્વરી ઈલેકટ્રિક સ્ટોર વર્ષોથી ચલાવે છે.જે રોજની માફક રાત્રીના સમયે બંધ કરી પોતાના ઘરમાં સુઈ ગયા હતા.ત્યારે બુધવારની વહેલી સવારે અચાનક દુકાનમાં આગ લાગી હતી.આગના પગલે સોસાયટીના લોકોમાં દોડધામ મચી હતી.
તો આગની જાણ ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગને થતાં ફાયર ટેન્ડર સાથે ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
જોકે આગ કાબુમાં આવી ગયા બાદ અંદર તપાસ કરતા દુકાનમાં રહેલ તમામ ઈલેક્ટ્રિકનો સામાન તથા ફર્નિચર બળીને ખાખ થઈ જતા લાખો રૂપિયાનું નુકશાન થવા પામ્યું હતું.