ફિનલેન્ડ અને સ્વિડને ‘નાટો’માં જોડાવા અરજી કરી

નવી દિલ્હી, રશિયા અને યુક્રેનના જંગ વચ્ચે સ્વીડન અને ફિનલેન્ડે રશિયાની ધમકીની અવગણના કરીને નાટો સંગઠનના સભ્ય બનવા માટે સત્તાવાર રીતે અરજી કરી દીધી છે.
રશિયા આ પહેલા બંને દેશોને નાટોના સભ્ય બનવા સામે ચેતવણી આપી ચુકયુ છે. કારણકે યુક્રેન સામે રશિયાનુ જંગ છેડવાનુ એક કારણ જ નાટો સંગઠનનુ સભ્ય પદ છે.
દરમિયાન નાટોના મહાસચિવ જેન્સ સ્ટોલ્ટેનબર્ગે આજે કહ્યુ હતુ કે, ફિનલેન્ડ અને સ્વીડને નાટોમાં જોડાવા માટે અરજી કરવાની ઔપચારિકતા પૂરી કરી છે. આ બંને દેશનુ અમે સ્વાગત કરીએ છે.નાટો માટે આજનો દિવસ સારો છે.
બે સપ્તાહમાં આગળની પ્રક્રિયા પૂરી કરવામાં આવશે અને તેના પર નાટોના 30 સભ્ય દેશો વિચારણા કરશે.એ પછી જો સભ્ય દેશોનો અભિપ્રાય અનુકુળ હશે તો તેમને આગામી કેટલાક મહિનામાં સભ્યપદ અપાશે.સામાન્ય રીતે આ માટે 8 થી 12 મહિના લાગતા હોય છે પણ રશિયાના ખતરાને જોતા નાટો સભ્યપદ વહેલી તકે પણ આપે તેવી શક્યતાઓ છે.
દરમિયાન તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગને આ બંને દેશોને નાટોમાં સામેલ કરવા સામે વાંધો ઉઠાવ્યો છે. આવતીકાલે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડન આ બંને દેશોના વડાઓને વ્હાઈટ હાઉસમાં મળવાના છે. જેમાં નાટોના સભ્યપદ અંગે પણ વાતચીત થશે.
આ પહેલા રશિયન રાષ્ટ્રપતિ ચેતવણી આપી ચુકયા છે કે, જો ફિનલેન્ડ નાટોમાં જોડાશે તો તે તેની મોટી ભૂલ હશે. રશિયા આ પહેલા ફિનલેન્ડને પણ નાટોમાં જોડાય તો તેની સામે લશ્કરી કાર્યવાહીની પણ ધમકી આપી ચુકયુ છે.