મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની હવે એકસાથે નહીં પણ તબક્કાવાર ચૂંટણી

મુંબઈ, મહારાષ્ટ્રમાં ઓબીસી આરક્ષણ વિના જ મહાનગરપાલિકાઓ, જિલ્લા પરિષદો અને નગર પરિષદો તથા નગર પંચાયતોની ચૂંટણી યોજી દેવાનો આદેશ અગાઉ આપી દીધા બાદ સુપ્રીમ કોર્ટે રાજ્યમાં જ્યાં ઓછો વરસાદ છે ત્યાં ચૂંટણી યોજવામાં શું વાંધો છે તેવો સવાલ રાજ્યના ચૂંટણી પંચને કર્યો છે.
સુપ્રીમના નિર્દેશને જાેતાં તેના લીધે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એકસાથે યોજાવાને બદલે તબક્કાવાર યોજાય તેવી સ્થિતિ સર્જાઈ છે. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પણ ચોમાસા પછી જ યોજાશે એ લગભગ નિશ્ચિત મનાઈ રહ્યું છે.
સુપ્રીમ કોર્ટે અગાઉ રાજ્યના ચૂંટણી પંચને બે સપ્તાહમાં ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. તેની સામે ચૂંટણી પંચે એવી વળતી રજૂઆત કરી હતી કે મહારાષ્ટ્રમાં ચોમાસા સમયે ચૂંટણી યોજવાનું બહુ મુશ્કેલીભર્યું છે. આ અંગે સુનાવણી યોજાતાં સુપ્રીમે એવું વલણ દાખવ્યું હતું કે જ્યાં ભારે વરસાદ નથી પડતો ત્યાં સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધી રાહ જાેવાની કોઈ જરુર નથી.
સુપ્રીમનું વલણ જાેતાં ચૂંટણી પંચને મુંબઈ મહાનગર પાલિકા તથા કોંકણના વિસ્તારમાં ચોમાસા પછી અને વિદર્ભના ઓછો વરસાદ ધરાવતા વિસ્તારોમાં ચોમાસા દરમિયાન જ ચૂંટણી યોજવી પડે તેવી શક્યતા સર્જાઈ છે. સુપ્રીમ કોર્ટે જિલ્લા મુજબ ત્યાંની સમીક્ષા કરીને ચૂંટણીના કાર્યક્રમની તૈયારી કરવાનો આદેશ આપ્યો છે.
હકીકતમાં જે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની મુદત પૂરી થઈ ગઈ છે. ત્યાં છ મહિના કરતાં વધુ સમય સુધી ચૂંટણી લંબાવી શકાય નહિ એવું ગત સુનાવણીમાં કોર્ટે જણાવ્યું હતું. ટ્રિપલ ટેસ્ટ પૂર્ણ થાય ત્યાં સુધી ઓ.બી.સી. રાજકીય આરક્ષણ આપી શકાય નહીં. આથી પાંચ વર્ષની મુદત પૂર્ણ કરેલી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી તાકીદે દેવાનો નિર્દેશ કોર્ટે આપ્યો હતો.
ચોમાસામાં ચૂંટણી યોજાય તો રાજ્યના અનેક ભાગમાં પૂર સ્થિતિ હોય છે. રાજ્ય કર્મચારી પૂર નિયંત્રણના કામમાં વ્યસ્ત હોય છે. આ સમયમાં ચૂંટણીની સાધન સામગ્રીની હેરાફેરી કરવામાં અડચણ ઉભી થાય તેમજ મતદાનમાં પણ ટકાવારી ઓછી થાય એવા ભય રહે છે.
રાજ્યમાં ૧૫ મહાનગરપાલિકા, ૨૫ જિલ્લા પરિષદ, ૨૧૦ નગર પંચાયત, ૧૯૦૦ ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રલંબિત છે. આટલી બધી ચૂંટણી ૨થી ૩ તબક્કામાં યોજવી પડશે. આ સમગ્ર કવાયત છ સપ્તાહ સુધી ચાલી શકે છે.HS