Western Times News

Gujarati News

પાણી પહેલાં પાળ બાંધવાની તૈયારી, પ્રિ-મોન્સૂન બેઠક યોજાઇ, તંત્રએ તૈયારીઓ શરૂ કરી

અમદાવાદ, રાજ્યમાં આગામી દિવસોમાં વર્ષાઋતુ પ્રારંભ થવાની શક્યતા છે ત્યારે પૂર, વાવાઝોડું કે અતિવૃષ્ટી જેવી સંભંવિત કુદરતી આફતો આવે તો તેના પૂર્વ આયોજનના ભાગરૂપે અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન ખાતે પ્રિ-મોન્સૂન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં કલેક્ટરે જિલ્લા વહીવટીતંત્રના કર્મયોગીઓને ‘ઝીરો કેઝ્‌યૂઅલ્ટી’ અભિગમથી કામ કરવાનો અનુરોધ કરતા જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અમદાવાદ જિલ્લા ઉપરાંત આસપાસના જિલ્લાઓના વરસાદ પર પણ નજર રાખવા તાકીદ કરી હતી.

કલેક્ટરે વધુમાં અમદાવાદ જિલ્લાના અગાઉ પૂરથી અસરગ્રસ્ત અને સંભવિત જાેખમવાળા તથા નીચાણવાળા ક્ષેત્રોની ઓળખ કરી તે વિસ્તારોમાં અગાઉથી આઇઇસી પ્રવૃત્તિઓ હાથ ધરવા માટેના દિશાનિર્દેશ આપ્યા હતા.

તેમણે નેશનલ હાઈ-વે ઓથોરિટી અને રેલવે જેવા વિભાગોને પાણીના વહેણમાં અવરોધરુપ સ્ટ્રક્ચર દૂર કરવા અંગેની વ્યવસ્થા કરવા માટેની સૂચના આપી હતી. આ ઉપરાંત જાેખમવાળા ક્ષેત્રોમાં સાઈનેજ બોર્ડ મૂકવા માટેની કામગીરી કરવા જણાવ્યું હતું.

જિલ્લા તરવૈયાઓની યાદી, હેમ રેડિયો, વાયરલેસ સેટ, બોટ તેમજ ઇમરજન્સી સમયે ઉપયોગી સેવા અને મશીનરી વ્યવસ્થાની સાથે ક્વીક રિસ્પોન્સ ટીમ પણ બનાવી રાખવાની તાકીદ કલેક્ટર દ્વારા આ બેઠકમાં કરવામાં આવી હતી.

આ બેઠકમાં કલેક્ટરે આરોગ્ય વિભાગ, એસટી, વિજળી, પાણીપુરવઠા તેમજ પોલીસ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ સહિતના વિભાગો દ્વારા આગામી ચોમાસાને લઇને ખાસ કન્ટ્રોલરૂમ ચાલું કરવા, હોસ્પિટલમાં દવાઓનો જથ્થો રાખવા તેમજ રેઇન ગેજ ચેક કરી લેવા, પાણી ભરાવાની સમસ્યા છે તેવા વોકળા, નાળાની સાફ-સફાઇ કરવા તેમજ આશ્રય સ્થાનોની મુલાકાત લેવા અધિકારીઓને સુચના આપી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.