ગિરનાર રોપ-વે કેબિન સંગીતમય બનાવાશે
જૂનાગઢ, જૂનાગઢનો ગિરનાર રોપ-વે પ્રોજેક્ટ પ્રવાસીઓને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ રોપ-વેનો મોટી સંખ્યામાં પ્રવાસીઓ લાભ લઈ રહ્યા છે. ઓક્ટોબર ૨૦૨૦માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારથી અત્યાર સુધીમાં ૧૧ લાખ લોકોએ આ રોપવેનો ઉપયોગ કર્યો છે.
જેના કારણે દોઢ વર્ષમાં રૂ.૫૬ કરોડની આવક થઈ છે. હવે આ રોપ-વેમાં એક નવી સુવિધા ઉમેરવામાં આવશે. પ્રવાસીઓ માટે હવે રોપ-વે કેબિનને ટૂંક સમયમાં સંગીતમય બનાવવામાં આવશે.
૨૩૨૦ મીટર લાંબા અને ૮૯૮.૪ મીટર ઉંચા રોપ-વેમાં અત્યાર સુધીમાં રોજની સરેરાશ ૫૫૧ ટ્રીપ ચલાવવામાં આવી રહી છે. ચાલુ વર્ષે છેલ્લા ૩ મહિનામાં પ્રવાસીઓની સંખ્યામાં અને આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ફેબ્રુઆરીના છેલ્લા મહિનામાં કુલ ૫૯,૧૮૮ પ્રવાસીઓએ આ રોપ-વે સેવાનો લાભ લીધો હતો. માર્ચમાં આ સંખ્યા વધીને ૭૭,૭૯૬ થઈ ગઈ છે.
ફેબ્રુઆરીમાં જ્યાં ૩.૧ કરોડ રૂપિયાની આવક હતી સાથે જ માર્ચમાં ૪.૦૩ કરોડ રૂપિયાની આવક થઈ હતી. આ રીતે એક મહિનામાં આવકમાં એક કરોડનો વધારો જાેવા મળ્યો હતો. ૧૩૦ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા રોપ-વેની સુવિધાથી પ્રવાસીઓ ગિરનાર પર્વતના ૧૦,૦૦૦ પગથિયાં ચડ્યા વિના મિનિટોમાં માતાજીના મંદિરે પહોંચી શકશે.
ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વિશ્વ સ્તરે લઈ જવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આ માટે સરકારે હેરિટેજ ટૂરિઝમ પોલિસીથી લઈને મેડિકલ ટૂરિઝમ સુધીના આધુનિક વિષયો સાથેની પોલિસી જાહેર કરી છે.
પ્રવાસીઓની સુવિધાની સાથે સાથે સરકાર આ વિસ્તારમાં રોજગારીની તકો ઊભી કરવા માટે કામ કરી રહી છે. ગુજરાતના પ્રવાસનને વૈશ્વિક પ્રતિષ્ઠા અપાવવા સરકાર કાર્યરત છે.
ગિરનાર ગુજરાતનું આધ્યાત્મિક ગૌરવ છે અને અહીં દેશ-વિદેશના પ્રવાસીઓ આવે છે. સરકાર તેમની સુવિધા માટે સતત પ્રયાસો કરી રહી છે. રોપ-વે પ્રોજેક્ટને કારણે પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ માટે મા અંબેના દર્શન કરવા માટે ખૂબ જ સરળ બન્યું છે.
પ્રવાસીઓની સંખ્યા પણ વધી રહી છે. સ્થાનિક લોકોને પણ રોજગારી મળી રહી છે જ્યારે આવકમાં પણ એક મહિનામાં લગભગ ૧ કરોડ રૂપિયાનો વધારો થયો છે.ss2kp