સુરત લાલગેટ વિસ્તારમાં નજીવી તકરારમાં મહિલાની હત્યા
મહિલાએ બીડીનુ ઠંઠુ નાંખવાની બાબતમાં ઠપકો આપતા યુવકે મહિલાને છરીના ઉપરાછાપરી અનેક ઘા ઝીંકી દીધા
અમદાવાદ, સુરતના લાલગેટ વિસ્તારમાં બીડુનું ઠુઠુ નાંખવાની સામાન્ય બાબતમાં થયેલી નજીવી તકરારમાં ઉશ્કેરાયેલા યુવાને મહિલાની ચપ્પુના ઘા મારી કરપીણ હત્યા કરી નાંખતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ બનાવ દરમ્યાન અન્ય એક વ્યકિત પણ ઘાયલ થઇ હતી. જા કે, પોલીસે મહિલાની હત્યા કરનારા આરોપી યુવક પ્રકાશ ઉર્ફે પક્કી ઉર્ફે નારાયણને ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધો હતો. સુરતના લાલગેટ વિસ્તારમાં આવેલા રાની તળાવ ખાતે મોડી રાત્રે મહિલાની કરપીણ હત્યા કરી દેવામાં આવતાં શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે સવાલો ઉભા થયાં છે.
બીડીનું ઠુઠુ નાંખવાની સામાન્ય બાબતમાં મહિલાએ જીવ ગુમાવી દીધો છે. માછીવાડ ખાતે રહેતી અનિતા સરવૈયાએ પાડોશમાં રહેતા પ્રકાશ ઉર્ફે પક્કી ઉર્ફે નારાયણ નામના યુવકને બીડીનું ઠુઠું નાંખવા બાબતે ઠપકો આપ્યો હતો. ઉશ્કેરાયેલા યુવકે પોતાના ઘરમાંથી ચપ્પુ લાવી અનિતાબેન પર હુમલો કરતાં તેઓ સ્થળ પર જ ઢળી પડયાં હતાં.ઘટનાની જાણકારી મળતા પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.
મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. મહિલા અને આરોપી યુવક વચ્ચે થયેલા ઝઘડામાં વચ્ચે છોડાવવા પડેલા અન્ય એક યુવક ઇજાગ્રસ્ત થયો હતો. જેને ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અપાઇ રહી છે. બીજીબાજુ, હત્યારા પક્કી ઉર્ફે નારાયણને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી જેલભેગો કરી દીધો હતો. આ બનાવને લઇ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.