અરવલ્લી જિલ્લાના વિકાસ કામોની સમીક્ષાના ઉપક્રમો યોજતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રીશ્રીએ એક જ દિવસમાં બે જિલ્લાઓ અરવલ્લી અને ગાંધીનગરના વિવિધ વિકાસ કામો-ફલેગશીપ યોજનાઓની પ્રગતિની સર્વગ્રાહી સમીક્ષા માટે જિલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજી
માણસા નગરપાલિકા વિસ્તારના નવ તળાવનું આંતરિક જોડાણ કરવાનો પ્રાથમિક અહેવાલ સત્વરે રજૂ કરવા મુખ્યમંત્રીશ્રીનું સૂચન
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લાઓના વિકાસ કામો તેમજ રાજ્ય-કેન્દ્ર સરકારની ફલેગશીપ યોજનાઓની પ્રગતિ કામગીરીની સમીક્ષા માટે જિલ્લા અધિકારીઓ- પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવાનો ઉપક્રમ શરૂ કર્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ આ ઉપક્રમમાં ગુરૂવાર, તા.૧૯મી મે એ સવારે અરવલ્લી જિલ્લાના બાયડમાં અરવલ્લી જિલ્લા વહિવટીતંત્રના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુરૂવારે બપોરે ગાંધીનગર જિલ્લાના માણસા ગામે પહોચ્યા હતા અને ત્યાં પણ તેમણે આવી સમીક્ષા બેઠક ગાંધીનગર જિલ્લા વહિવટીતંત્રના અધિકારીઓ-પદાધિકારીઓ સાથે યોજી હતી. તેમણે પાણીનો બગાડ થાય નહિ અને પાણીના તળ ઊંચા આવે તે માટે માણસા નગરપાલિકા વિસ્તારના નવ તળાવનું આંતરિક જોડાણ કરવાનો પ્રાથમિક અહેવાલ સત્વરે રજૂ કરવાની સૂચના આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ કલોલ-માણસા હાઇવેના કામ અંગેની સંબંધિત અધિકારીઓ પાસેથી વિગત મેળવી હતી તેમજ આ કામને ઝડપભેર પૂર્ણ કરવા માટેની પણ સૂચનાઓ આપી હતી. તેમણે બાલવા-માણસા વચ્ચેના માર્ગના નવિનીકરણની દરખાસ્ત રજૂ કરવા પણ સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ માણસા નગરપાલિકા વિસ્તારના વિકાસ કામો માટે રીંગ રોડ બનાવવાની ચર્ચામાં ટાઉન પ્લાનિંગ સ્કીમના તાત્કાલિક અમલીકરણ કરવાની સૂચના આપી હતી. તેમજ કલોલમાં આવેલા અંડરપાસને પહોળો કરવા માટે પણ સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ કલોલ નગરપાલિકા વિસ્તારના સ્થાનિક રહીશોની માંગણીને ધ્યાને લઇ ઘનકચરાના નિકાલ માટે જણાવ્યું હતું. તેમજ આ માટે લેન્ડ ફિલ સાઈટની થયેલી દરખાસ્તને તાત્કાલિક મંજૂરી મળી જાય તેવું સુચારું આયોજન કરવા પણ સૂચન કર્યુ હતું.
શ્રી ભૂપેન્દ્ર પટેલે ટીમ ગાંધીનગર સાથેની આ સમીક્ષા બેઠકમાં જણાવ્યું હતું કે ગાંધીનગર જિલ્લામાં જનપ્રતિનિધિઓ અને અધિકારીઓના સુમેળભર્યા સંકલનના કારણે વિકાસના કામોની ગતિ વધુ તેજ બની રહી છે.
તેમણે જિલ્લા વહીવટી તંત્રના ઉપસ્થિત અધિકારીઓને પ્રજાના પ્રશ્નોના હકારાત્મક ઉકેલ માટે દિશાનિર્દેશ આપતા વિકાસ કાર્યોમાં સૌનો સાથ, સૌનો વિકાસની ભાવનાને વધુ મજબૂત કરવાનું પણ પ્રેરક સૂચન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રી ગાંધીનગર જિલ્લાના વીજળી, પાણી, કાયદો-વ્યવસ્થા જેવા વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ અંગે અધિકારીઓ સાથે ચર્ચા-વિમર્શ પણ કર્યો હતો.
સમીક્ષા બેઠકમાં પદાધિકારીઓ દ્વારા રજૂ થયેલા પ્રજાકીય પ્રશ્નોના ઝડપી નિવારણ માટે મુખ્યમંત્રીશ્રીએ જિલ્લા અને અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
ગાંધીનગર જિલ્લા કલેક્ટર શ્રી ડૉ. કુલદીપ આર્ય એ મુખ્યમંત્રીશ્રી સમક્ષ ગાંધીનગર જિલ્લામાં રાજ્ય સરકારની વિવિધ ફેલગશીપ યોજનાઓના અમલીકરણ અને પ્રાપ્ત થયેલ લક્ષ્યાંકોની વિગતો આપી હતી અને જિલ્લામાં થયેલા વિવિધ વિકાસ કાર્યોની રૂપરેખા રજૂ કરી હતી.
આ બેઠકમાં ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી સુરભી ગૌતમ, અધિક નિવાસી કલેકટર રિતુ સિંગ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અનિલભાઈ પટેલ સહિત પદાધિકારીઓ અને જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.