સાબરમતી શુધ્ધિકરણ માટે “એકસપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ” મંગાવવામાં આવ્યા
સાબરમતી શુધ્ધિકરણ માટે “એકસપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ” મંગાવવામાં આવ્યા |
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ : અમદાવાદ શહેરની ધરોહર સાબરમતી નદીને માત્ર ચાર મહીનામાં સ્વચ્છ કરવા માટે કમીશ્નરે કરેલી જાહેરાત પોકળ સાબિત થઈ છે.મ્યુનિ.કમીશ્નર અને સીટી ઈજનેરની જાડી સાબરમતી ને સ્વચ્છ કરી શકયા નથી. જેના કારણે ડફનાળા થી વાસણા સુધી (રીવરફ્રન્ટ)ના પટ્ટામાં નદીને સ્વચ્છ કરવા માટે “એકસપ્રેશન ઓફ ઈન્ટરનેટ” જાહેર કરવામાં આવ્યા છે.
નોધનીય બાબત એ છે કે નદી શુધ્ધિકરણ પ્રોજેકટમાંથી સીટી ઈજનેર ને બાકાત રાખવામાં આવ્યા છે. નિષ્ફળતા અને ભૂલોની હારમાળાના કારણે સીટી ઈજનેરની બાદબાકી કરવામાં આવી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.
મ્યુનિ. કમીશ્નરે દુષિત સાબરમતી નદીને માત્ર ચાર મહીનામાં જ શુધ્ધ કરવા માટે દાવા કર્યા હતા જે પોકળ સાબિત થયા છે. નદી શુધ્ધિકરણની જાહેરાત માત્ર પ્રસિદ્ધિ અને ફોટા પુરતી જ સીમિત રહી ગઈ છે. ચાર મહીનાના સમયગાળા દરમ્યાન નદી વધુ દુષીત થઈ છે. જેના કારણે જ નદીને શુધ્ધ કરવા માટે “એકસપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ” જાહેર કરવાની ફરજ પડી છે.
સાબરમતી રીવરફ્રન્ટના પટ્ટામાં મતલબ કે ડફનાળા થી વાસણા બેરેજ સુધી નદીના પાણીને કેવી રીતે શુધ્ધ કરી શકાય ?તેની વિગતો મંગાવવામાં આવી છે. જેમાં પાંચ કંપનીઓએ રસ દાખવ્યો છે. ઉલ્લેખનીય બાબત એ છે કે નદી શુધ્ધિકરણ મુદ્દે નિષ્ફળતા મળ્યા બાદ “એકેસપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ” રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ લીમીટેડ મારફતે મંગાવવામાં આવ્યા છે.
તથા શુધ્ધિકરણ માટેની તમામ જવાબદારી પણ સાબરમતી રીવરફ્રન્ટના ઈજનેર અધિકારી ને જ સોપવામાં આવી છે. એકસપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ માટે જે કંપનીઓએ રસ દાખવ્યો છે. તેમની સાથે આગામી સપ્તાહમાં મીટીંગનું આયોજન કરવામાં આવશે. જેમાં મ્યુનિ. કોર્પોરેશનના એનઆરસીપી, ડ્રેનેજ પ્રોજેકટ તથા એન્વાયરમેન્ટ પ્રોજેકટના અધિકારીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.
પરંતુ સીટી ઈજનેર ની બાદબાકી કરવામાં આવી છે.મ્યુનિ. કમીશ્નરે મ્હોર લગાવ્યા બાદ જ આમંત્રણ મોકલવામાં આવ્યા છે. સાબરમતી શુધ્ધિકરણ માટે એકસપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ” મંગાવીને કમીશ્નરે પરોક્ષ રીતે નિષ્ફળતા સ્વીકારી હોવાનું સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.
મ્યુનિ.કમીશ્નરે ચાર મહીનામાં નદી શુધ્ધ કરવાના દાવા પોકળ સાબિત થયા |
સાબરમતી નદીને દુષિત કરવામાં મનપાનો મોટો ફાળો છે. સેન્ટ્રલ પોલ્યુશન બોર્ડ દ્વારા બીઓડી અને સીઓડી ના જે પેરામીટર નકકી કરવામાં આવ્યા છે. તેનું પાલન થતું નથી. મ્યુનિ.કોર્પોરેશનના એસટીપી પ્લાન્ટમાં સુઅરેજ વોટર ટ્રીટ થયા બાદ પણ બીઓડીની માત્ર ૩૦ થી ૯૦ રહે છે. જયારે સીઓડીની માત્ર ૯પ થી ૩૦૦ સુધી હોય છે.
પોલ્યુશન બોર્ડની ગાઈડલાઈન મુજબ એસટીપીમાં ટ્રીટ થયા બાદ બીઓડીનું પ્રમાણ ૧૦ અને સીઓડી ની માત્ર પ૦ થી વધુ હોવી જાઈએ નહી. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા તેનું ઉલ્લંઘન થાય છે. જેના પરિણામે સાબરમતી નદી વધુ દુષિત થઈ રહી છે.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નદીમાં દુષિત પાણી જ છોડવામાં આવી રહયું છે. તેથી જ સીટી ઈજનેર દ્વારા ટ્રીટ કરીને નદીમાં છોડવામાં આવી રહેલા દુષિત પાણીને ફરીથી ટ્રીટ કરવાની જવાબદારી સાબરમતી ડેવલપમેન્ટ લી.ના સીટી ઈજનેરને સોપવામાં આવી છે. જેમાં મ્યુનિ. સીટી ઈજનેરની જ ટીમને લેવામાં આવી છે.
સાબરમતી નદીના પાણીના શુધ્ધ કરવા માટે બેથી ત્રણ અલગ અલગ પધ્ધતિ નો ઉપયોગ થઈ શકે છે. જેમાં “નેનો બબલ” અને “બાયોરેમીડેશન સીસ્ટમ” મુખ્ય છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ બબલીંગ સીસ્ટમમાં પાણીની અંદર ફુવારા રાખવામાં આવે છે. તથા પાણીની સપાટી પર હવાના અત્યંત બારીક રજકણ ડ્રોપ કરવામાં આવે છે. જયારે બાયોરેમીડેશન સીસ્ટમમાં નદીના પાણીમાં કેમીકલ નાંખવામાં આવે છે. કેમીકલના દ્રવ્યો પાણીને દુષિત કરતા તત્વો સાથે ભળી તેને તળીયે (નીચે) લઈ જાય છે.
જેના કારણે નદીના પાણીની શુધ્ધતામાં વધારો થાય છે. મ્યુનિ. કમીશ્નરે ડફનાળા થી વાસણા સુધી જ નદી શુધ્ધિકરણ માટે “એકસપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ” મંગાવ્યા છે. પરંતુ શાસ્ત્રીબ્રીજ પાસે નદી વધુ દુષિત રહે છે. શાસ્ત્રીબ્રીજ પાસે બીઓડીની માત્રા ૧ર૦ હોય છે. પીરાણા પાસે આવેલ જીઆઈડીસી ટર્મીનલનું પાણી શાસ્ત્રીબ્રીજ પાસે બાયપાસ કરવામાં આવી રહયું હોવાની વિગતો અવારનવાર બહાર આવે છે. તેથી વાસણા કે આંબેડકરબ્રીજ (પૂર્વ) સુધી
નદીને શુધ્ધ કરવામાં આવશે
તો પણ શાસ્ત્રીબ્રીજ પાણી દુષિત થશે. જેની અસર ૪૩ ગામોના રહીશોને હાલ પણ થઈ રહી છે. મ્યુનિ. કમીશ્નર માત્ર ચાર બ્રીજ વચ્ચે જ પાણીને શુધ્ધ કરી ને “વાહ-વાહ” મેળવવા પ્રયાસ કરી રહયા છે. જુનમાં પણ ચાર મહીનામાં નદી શુધ્ધ કરવા માટે દાવા કર્યા હતા.
તે સમયે દૈનિક ૧૮ કરોડ લીટર દુષિત પાણી નદીમાં છોડવામાં આવી રહયું હોવાની વસુલાત પણ કરી હતી. જેને બંધ કરવામાં આવ્યું હોવાના દાવા થઈ રહયા છે. પરંતુ ૧૮ કરોડ લીટર પાણી કઈ દિશા તરફ લઈ જવામાં આવ્યું છે. તેના જવાબ કમીશ્નર કે સીટી ઈજનેર પાસે નથી ! નદી શુધ્ધિકરણ માટે“જલવિહાર” મોટો આધાર હતો. પરંતુ “જલવિહાર” ના પરીણામો પણ નિરાશાજનક છે.
કોટેશ્વર ખાતે નવા એસટીપી માટે આયોજન કરવામાં આવ્યુ હતુ તે માત્ર કાગળ પર જ રહયું છે. આમ, તમામ મોરચે નિષ્ફળતા મળ્યા બાદ સીટી ઈજનેર ની ભુલ કે નિષ્ફળતા છુપાવવા માટે રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ લી.ના સીટી ઈજનેરની મદદ લેવામાં આવી રહી હોવાનું સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.
તિખારોઃ મ્યુનિ.સીટી ઈજનેરની ભરતી સમયે રીવરફ્રન્ટ લી.ના વર્તમાન સીટી ઈજનેર ને મ્યુનિ. કમીશ્નરે જ રીજેકટ કર્યા હતા. હવે તેમની જ મદદ લેવામાં આવી રહી છે!