વાહન વ્યવહાર મંત્રીએ ડેસર ખાતે રૂ.૧.૭૩ કરોડથી વધુ રકમના ખર્ચે બંધાનારા એસટી ડેપોના કામનું ભૂમિપૂજન કર્યું
(માહિતી) વડોદરા, માર્ગ અને મકાન તથા વાહન વ્યવહાર વિભાગે ડેસર અને સાવલી,વાઘોડિયા તથા વડોદરા તાલુકાઓને અંદાજે રૂ.૭૫ કરોડની કિંમતના વિકાસ કામોની ભેટ આપવાનું આયોજન કર્યું છે.
તેના ભાગરૂપે માર્ગ મકાન અને વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ ડેસર તાલુકા મથકે અંદાજે રૂ.૧.૭૩ કરોડના ખર્ચે ૨ હજાર ચોરસ મીટર જગ્યામાં બંધાનારા એસ.ટી.ડેપોના કામનું ભૂમિપૂજન કર્યું હતું. આ ઉપરાંત તેમણે રૂ.૭૩.૧૩ કરોડના ખર્ચે થનારા માર્ગ વિકાસના ૧૩ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું જેનો લાભ સાવલી,ડેસર,વડોદરા અને વાઘોડિયા તાલુકાઓને મળશે.
તેમણે જણાવ્યું કે લોકોને વિવિધ પ્રકારની પરિવહન સુવિધાઓ દ્વારા મહત્તમ કનેકટીવિટી ઉપલબ્ધ કરાવવામાં ગુજરાત દેશમાં મોખરે છે.રાજ્ય એસ.ટી.નિગમની પરિવહન સુવિધાઓનો દૈનિક ૨૫ લાખથી વધુ લોકો લાભ લે છે અને વાર્ષિક રૂ.૧ હજાર કરોડનો બોજ ઉઠાવી રાજ્ય સરકાર આ સેવા આપે છે. તેમણે એર,રેલ,માર્ગ અને જળ પરિવહન ની સુવિધાઓ દ્વારા સરળ કનેક્ટિવિટી ની રૂપરેખા આપી હતી.
તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારે રૂ.૨૪૦૦ કરોડના ખર્ચે ૧૮૩૬ કિમી લાંબો કોસ્ટલ હાઈ વે બાંધીને દક્ષિણ ના ભીલાડ ને ઉત્તરમાં કચ્છ ના નારાયણ સરોવર સાથે જાેડવાનું આયોજન કર્યું છે.તે જ રીતે આઝાદી ના અમૃત પર્વને યાદગાર બનાવવા રાજ્યના ૪૧૪ ગામોને પહેલીવાર રસ્તાની સુવિધા આપવામાં આવશે.જ્યારે આદિવાસી વિસ્તારમાં વાહન વ્યવહારની બારમાસી સુવિધા ઉપલબ્ધ કરાવવા રૂ.૫૦૦ કરોડના ખર્ચે ૨૯૫ કોઝ વે કમ વિયર બનાવીને ચોમાસા માં પરિવહન બંધ થઈ જવાની વિપદાઓનું નિરાકરણ આણવામાં આવશે.
વાહન વ્યવહાર અને માર્ગ વિકાસના આ કામોનો લાભ ડેસર અને અન્ય તાલુકાઓના ગામોને મળશે એનો આનંદ વ્યક્ત કરતાં જાગૃત ધારાસભ્ય કેતન ઇનામદારે જણાવ્યું કે સૌ થી નાના ડેસર તાલુકાને જરૂરી તમામ સગવડો આપીને વિકાસના મુખ્ય પ્રવાહમાં જાેડ્યો છે.
આ પ્રસંગે વાઘોડિયાના ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.વડોદરા જિલ્લા પંચાયતના ઊપ પ્રમુખ મોહનસિંહભાઇ, કમલેશ પટેલ,અશ્વિન પટેલ સહિત અગ્રણીઓ,તાલુકા પંચાયત પ્રમુખ અને પદાધિકારીઓ,સરપંચો,વિવિધ વિભાગોના અધિકારીઓ અને ગ્રામજનો કાર્યક્રમમાં જાેડાયાં હતા.