અંકલેશ્વરમાં અમદાવાદની છારા ગેંગની મહિલાઓએ ઘરમાં ઘૂસી લૂંટ કરી

અંકલેશ્વર, અંકલેશ્વરની મીરાનગરમાં અમદાવાદની છારા ગેંગની મહિલાઓ ભિક્ષુક બનીને આવી મકાન માલિક મહિલા પાસે જમવાનું અને પાણી માંગી દાગીના અને રોકડા ર૦ હજારની લુંટ ચલાવી હતી. મકાન માલિક મહિલાએ બુમરાણ મચાવતા ટોળકીની ૭ મહિલાને સ્થાનિક લોકોએ પકડી જીઆઈડીસી પોલીસને હવાલે કરી હતી જયારે બે મહિલાઓ માલમત્તા લઈ ફરાર થઈ ગઈ હતી.
અંકલેશ્વરના રાજપીપલા રોડ પરુ આવેલ મીરાનગર સોસાયટીમાં સવારે અગિયારેક વાગ્યાના અરસામાં મકાનમાં ભીખ માંગવાના બહાને ભિક્ષુક મહિલાઓની ટોળકી ઘુસી ગઈ હતી બાદમાં આધેડ મહિલાને બાનમાં લઈ તિજાેરી ખોલી તેમાંથી સોનાના દાગીના અને રોકડા રૂપિયા ર૦ હજારની લુંટ ચલાવી ફરાર થઈ ગઈ હતી.
આધેડ મહિલાએ છારા ગેંગની લુંટારું મહિલાઓની પાછળ દોટ મુકી બુમરાણ મચાવતા સ્થાનિક લોકોએ ફરાર થઈ રહેલ ૭ મહિલાઓની ટોળકીને ઝડપી પાડી હતી અને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને હવાલે કરાઈ હતી અને પોલીસ દ્વારા ઝડપાયેલ મહિલા ટોળકીની પુછપરછ હાથ ધરી હતી. આ ટોળકીની અન્ય બે સદસ્ય મહિલાઓ મુદ્દામાલ લઈ ફરાર થઈ ગઈ હતી. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.