શ્રીલંકામાં હવે ખાવા માટે અનાજ ખૂટી પડે તેવી દહેશત
કોલંબો, શ્રીલંકાના પ્રધાનમંત્રીએ દેશમાં હવે અન્નની અછત સર્જાવાની ચેતવણી આપી છે. ભારતનો આ પાડોશી દેશ છેલ્લા કેટલાક મહિનાથી આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યો છે. ઘણા સમયથી શ્રીલંકાના મોટાભાગના પેટ્રોલપંપો પણ ખાલી થઈ ચૂક્યા છે, ત્યારે હવે દેશમાં અન્નની અછત ના સર્જાય તે માટે સરકાર દોડતી થઈ ગઈ છે.
ગયા વર્ષે જ પ્રમુખ ગોટાબાયા રાજપક્ષેએ કેમિકલ ફર્ટિલાઈઝર પર પ્રતિબંધ મૂકી દીધો હતો જેના કારણે ખેત ઉત્પાદન પર મોટી અસર પડી છે. હવે સપ્ટેમ્બરમાં દેશમાં વાવણીની સીઝન શરુ થવાની છે તે પહેલા જ ખાતર પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવા માટે સરકાર પ્રયાસ કરી રહી છે.
ટુરિઝમ પર આધારિત અર્થતંત્ર ધરાવતું શ્રીલંકા વિદેશી હુંડિયામણ તળિયા ઝાટક થઈ જતાં પેટ્રોલ, દવાની કારમી તંગી તો અનુભવી જ રહ્યું છે તેની સાથે દેશની આર્થિક ગતિવિધિ પણ પડી ભાંગી છે.
દેશમાં ગેસ સિલિન્ડર માટે પણ લોકો લાંબી-લાંબી લાઈન લગાવી રહ્યા છે અને તેની કિંમત ૫,૦૦૦ રુપિયા પર પહોંચી ચૂકી છે. કેટલાક સેન્ટર પર એવી સ્થિતિ છે કે ૫૦૦ લોકો લાઈનમાં ઉભા હોય તેની સામે માંડ ૨૦૦ લોકોને જ સિલિન્ડર અપાય છે. દેશમાં કેરોસિન અને ગેસ વિના કઈ રીતે રાંધવું તે પણ મોટો પ્રશ્ન બની ગયો છે તેવામાં પ્રજામાં દહેશતનો માહોલ છે.
શ્રીલંકાની મધ્યસ્થ બેંકના ગવર્નરે ગુરુવારે જણાવ્યું હતું કે વર્લ્ડ બેંક પાસેથી લોન સ્વરુપે વિદેશી હુંડિયામણ મેળવીને સ્થિતિ થાળે પાડવા પ્રયાસ કરાઈ રહ્યો છે, જાેકે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સનો સપ્લાય નિયમિત બનવામાં સમય લાગશે.
ચીજવસ્તુઓનો સપ્લાય અટવાયો હોવાથી આવનારા કેટલાક મહિનામાં ફુગાવાનો દર ૪૦ ટકા જેટલો રહી શકે છે તેવી આશંકા પણ મધ્યસ્થ બેંક દ્વારા વ્યક્ત કરાઈ છે.
દેશમાં સતત કથળતી જતી સ્થિતિ વચ્ચે સરકાર સામેના દેખાવો પણ તીવ્ર બની રહ્યા છે. ગુરુવારે પ્રમુખ અને વડાપ્રધાનના રાજીનામાં સાથે ધરણા કરી રહેલા સ્ટૂડન્ટ્સ પર પોલીસે ટીયરગેસના સેલ તેમજ વોટરકેનનનો ઉપયોગ કર્યો હતો.
શ્રીલંકાનું અર્થતંત્ર વિદેશી હુંડિયામણ માટે મોટાભાગે ટુરિઝમ પર આધારિત છે. જાેકે, કોરોનાને કારણે આ સેક્ટર પડી ભાંગ્યું હતું. આ ઉપરાંત ક્રુડની કિંમતોમાં અચાનક થયેલા વધારા ઉપરાંત, સરકારે લોકલુભાવન જાહેરાતો કરીને ટેક્સમાં આપેલી ધરખમ રાહતોને લીધે દેશની આર્થિક સ્થિતિ બદથી બદતર બની હતી.ss3kp