વધતી મોંઘવારી વચ્ચે દિલ્હી સરકારે લઘુત્તમ વેતનમાં વધારો કર્યો

નવીદિલ્હી, વધતી મોંઘવારી વચ્ચે દિલ્હી સરકારે લઘુત્તમ વેતનમાં વધારો કર્યો છે. આ વધેલા દરો ૧ એપ્રિલથી લાગુ કરવામાં આવશે. આ વધારા બાદ કામદારોનો માસિક પગાર ૧૬૦૬૪ રૂપિયાથી વધીને ૧૬૫૦૬ રૂપિયા થઈ જશે.
જણાવી દઈએ કે, કેજરીવાલ સરકાર દિલ્હીના કામદારોને રાહત આપવા માટે દર છ મહિને મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે. વેતનમાં આ વધારા અંગે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું છે કે દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં દિલ્હીમાં મજૂરોને મળતું લઘુત્તમ વેતન સૌથી વધુ છે.
મોંઘવારીથી ત્રસ્ત મજૂર વર્ગને લઘુત્તમ વેતનમાં વધારાથી રાહત મળશે. દિલ્હીમાં સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રમાં લાખો અકુશળ અર્ધ-કુશળ કામદારો છે, જેમને આવા વધારાનો લાભ મળશે.
વધેલા દરે ચુકવણી સુનિશ્ચિત કરવા નિર્દેશિતઃ મનીષ સિસોદિયાએ શુક્રવારે કામદારોના લઘુત્તમ વેતનમાં વધારો કરવાનો આદેશ જારી કર્યો અને તેમને વધેલા દરે ચુકવણીની ખાતરી કરવા કહ્યું. સિસોદિયાએ કહ્યું કે, ગરીબો અને મજૂર વર્ગના હિતોને ધ્યાનમાં રાખીને, વધતી મોંઘવારી વચ્ચે આ મોટું પગલું લેવામાં આવ્યું છે.
કારકુન અને સુપરવાઈઝર વર્ગને પણ મળશે લાભઃ તેમણે કહ્યું કે કારકુન અને સુપરવાઈઝર વર્ગના કર્મચારીઓને પણ તેનો લાભ મળશે. સરકારનું કહેવું છે કે મોંઘવારી વચ્ચે આ વધારાથી કામદારોને તાત્કાલિક રાહત મળશે.
મોંઘવારી ભથ્થા હેઠળ અકુશળ મજૂરોનો માસિક પગાર રૂ. ૧૬૦૬૪થી વધીને રૂ. ૧૬૫૦૬ થવાથી અર્ધ-કુશળ કામદારોનો માસિક પગાર રૂ. ૧૭,૬૯૩થી વધીને રૂ. ૧૮,૧૮૭ અને કુશળ કામદારોનો માસિક પગાર રૂ. ૧૯,૪૭૩થી વધીને રૂ. ૨૦,૦૧૯ થશે.
સિસોદિયાએ કહ્યું કે અમે પહેલાથી જ કામદારોના હિત માટે કામ કરી રહ્યા છીએ. મજૂરોના હિતને ધ્યાનમાં રાખીને અમે તેમના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો ર્નિણય લીધો છે. મને આશા છે કે આ મોંઘવારીના યુગમાં તેમને મદદ કરશે.HS1