ગોધરા સિવિલ હોસ્પિટલમાં લીફ્ટ સેવા બંધ હોવાથી દર્દીઓ અને તેઓના સ્વજનોના ભારે હાલાકી

(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લાની સૌથી મોટી ગોધરા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી લીફ્ટ સુવિધા બંધ રહેતા દર્દીઓ અને તેઓના સ્વજનો ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે.
બે લિફ્ટ પૈકી એક લિફ્ટ સદંતર બંધ હાલતમાં છે જ્યારે એક લિફ્ટ મરામત કરી કાર્યરત રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ આ લિફ્ટ પણ પેશન્ટ અંદર હોય ત્યારે પણ ખોટવાઈ જવા અને ખામીઓના કારણે મોટે ભાગે બંધ રહેતી હોવાની રજૂઆતો ઉઠી છે.
બીજી તરફ અહીં ડાયાલિસીસ,ઓપરેશન થિયેટર,ઓર્થોપેડિક અને ગાયનેક વિભાગ બીજા અને ત્રીજા મજલે આવેલા છે જેથી આ વોર્ડમાં દર્દીઓને લઈ જવા માટે સ્ટ્રેચર સીડીઓ ના પગથિયાં ચઢી દર્દીઓને સારવાર માટે લઈ જવા પડે છે જેમાં સ્ટ્રેચર છટકી જવા ની પણ બીક રહે છે જેથી વહેલી તકે લિફ્ટ સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવે એવી લોક માંગ ઉઠી છે.
જાેકે સિવિલ સત્તાધીશો પણ લિફ્ટ જૂની અને જર્જરિત થઈ હોવાનો સ્વીકાર કરી નવી લિફ્ટ બેસાડવા પ્રયત્નશીલ હોવાનું જણાવી રહ્યા છે પરંતુ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જણાવી રહ્યા છે રાજયકક્ષાના આરોગ્યમંત્રી જ પંચમહાલ જિલ્લાના છે ત્યારે અહીં સુવિધાઓ પુરી પાડવામાં ઉદાસીનતા કેમ રાખવામાં આવે છે જે દુઃખદ બાબત છે.