ટેકાના ભાવે તુવેરની ખરીદી ૧૫ દિવસ લંબાવી દેવાઈ
ગાંધીનગર, ગુજરાત સરકારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે તુવેરની ખરીદીનો સમયગાળો ૧૫ દિવસ સુધી લંબાવી દીધો છે જેનો લાભ રાજ્યના અનેક ખેડૂતોને મળશે.
અત્યાર સુધીમાં રાજ્ય સરકારે ૮૬૧૭ ખેડૂતો પાસેથી ૧૦૪ કરોડની ૧૬૪૮૦ મેટ્રીક ટન તુવેરની ખરીદી કરી. કૃષિ નિયામકે જણાવ્યું છે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં તુવેર પાકની થતી મોડી વાવણી અને કાપણીના કારણે નોંધાયેલ ખેડૂતો પૈકી કેટલાક ખેડૂતો પોતાની તુવેરનો પાક ટેકાના ભાવે વેચી શક્યા નથી તેથી ગુજરાત સરકારે કેન્દ્રમાં કરેલી દરખાસ્તને સ્વિકારવામાં આવી છે.
આ દરખાસ્તના ભાગરૃપે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ટેકાના ભાવે તુવેર ખરીદીનો સમયગાળો આગામી ૩૦મી મે સુધી લંબાવવામાં આવ્યો છે જેનો મહત્તમ લાભ ખેડૂતોને મળશે.
૨૦૨૧-૨૨ના વર્ષમાં ભારત સરકાર દ્વારા તુવેર માટે ૬૩૦૦ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત પ્રાઇઝ સપોર્ટ સ્કીમ હેઠળ તુવેરની ટેકાના ભાવે ખરીદી અન્વયે કુલ ૧૮૫૩૫ ખેડૂતોએ નોંધણી કરાવી છે.
રાજ્યમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી રાજ્ય નોડલ એજન્સી ગુજકોમાસોલ દ્વારા ૧૫મી ફેબ્રુઆરીથી શરૃ કરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધીમાં રાજ્યના ૮૬૧૭ ખેડૂતો પાસેથી ૧૦૪ કરોડની કિંમતની ૧૬૪૮૦ મેટ્રીકટન તુવેરની ખરીદી કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા તુવેરની ટેકાના ભાવે ખરીદીનો સમયગાળો ૧૫મી મેના રોજ પૂર્ણ થતો હતો.ss2kp