કાશ્મીરમાંથીં ૧૭૦થી વધુ ત્રાસવાદીઓ ભારતમાં ઘુસવાની ફીરાકમાં

શ્રીનગર, કાશ્મીરમાં આતંકવાદનો સફાયો કરવા માટે ઓપરેશન ક્લીન ચાલી રહ્યું છે તેવા સમયે રાજ્યમાં ત્રાસવાદ ભડકાવવા માટે પાકિસ્તાન પેંતરા આચરી રહ્યું હોય તેમ પાક. કબ્જાગ્રસ્ત કાશ્મીરમાં ૧૭૦થી વધુ ત્રાસવાદીઓને એકત્રિત કરવામાં આવ્યા છે અને તેઓને ભારતમાં ઘુસાડવાનાં ષડયંત્ર રચવામાં આવ્યા હોવાનો પર્દાફાશ ગુપ્ત રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.
કેન્દ્રીય ગુપ્તચર વિભાગના રિપોર્ટમાં એવું જણાવવામાં આવ્યું છે કે ૧૭૦થી વધુ ત્રાસવાદીઓ પાક. કબ્જાવાળા કાશ્મીરનાં જુદા-જુદા કેમ્પોમાં એકઠા થયા છે અને ભારતમાં ઘુસવાની ફિરાકમાં છે. પાક. ગુપ્તચર એજન્સી તેઓને ભારતમાં ઘુસાડવા પ્રયત્નશીલ છે.
ત્રાસવાદીઓને ઘુસાડવા ઉપરાંત કેફી પદાર્થો ઘુસાડવાનાં પણ આઈએસઆઈએ કાવતરા ઘડ્યા હોવાનું પણ રિપોર્ટમાં જણાવાયું છે. બોર્ડર સિક્યોરીટી ફોર્સ સહિતની સુરક્ષા એજન્સીઓને દેખરેખ વધારવા તથા એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે.
તાજેતરમાં ડ્રોન મારફત પંજાબમાં હથિયાર ઘુસાડવાનાં પ્રયત્ન થયા જ હતા. જેને પગલે સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ થઇ હતી. હવે ત્રાસવાદીઓને જ ઘુસાડવાનું ષડયંત્ર હોવાના રિપોર્ટને પગલે સૈન્ય તથા બીએસએફ એકશનમાં આવી ગયું છે
અને વાસ્તવિક અંકુશ રેખા પર વધુ જવાનો તૈનાત કરવા સહિતના પગલાઓ લેવાનું શરુ કરવામાં આવ્યું છે.સૈન્ય સુત્રોએ એમ જણાવ્યું છે કે, લશ્કર-એ-તોયબાના ત્રાસવાદીઓ પાકિસ્તાની સૈન્યની મદદથી ભારતમાં ઘૂસવાની ફિરાકમાં છે.
ત્રાસવાદીઓને ઘુસાડી શકાય તે માટે પાક. સૈન્ય કાંકરીચાળો કરે તેવી ભીતિ છે. પાક. ગુપ્તચર એજન્સી આઈએસઆઈ લશ્કર-એ-તોયબા, જૈશ-એ-મોહમ્મદ તથા અફઘાનિસ્તાની ત્રાસવાદીઓને તાલીમ પણ આપી રહી છે. પાક. કબ્જાવાળા કાશ્મીરમાં ૧૭૦માંથી ૮૦ ત્રાસવાદીઓ અફઘાની હોવાનું પણ બહાર આવ્યું છે.HS1