ગુજરાતમા ચોર-લૂંટારુ કરતા ખતરનાક છે લૂંટેરી દુલ્હનો
અમદાવાદ, ગુજરાતમાં લૂંટનો એક નવો ચીલો જાેવા મળી રહ્યો છે. લૂંટ માટે હવે મહિલાઓનો સહારો લેવામાં આવી રહ્યો છે. લગ્નવાંછુક યુવકોને લગ્નની માયાજાળમાં ફસાવીને ફરાર થઈ જતી લૂંટેરી દુલ્હનોનો કહેર વધી રહ્યો છે.
ત્યારે ગુજરાતમાં એક જ દિવસમા બે કિસ્સા સામે આવ્યા છે. સુરેન્દ્રનગર અને રાધનપુરમાં લૂંટેરી દુલ્હનો પતિદેવોને લૂંટીને ફરાર થઈ જાય છે.
રાધનપુરમાં લૂંટેરી દુલ્હને કહેર મચાવ્યો હતો. મહારાષ્ટ્રના દલાલે રાધનપુરના યુવક પાસેથી રૂપિયા ૧.૮૦ લાખ લઇ એક યુવતી સાથે લગ્ન કરાવ્યા હતા. લગ્ન બાદ યુવક પત્નીને લઈને રાધનપુર આવ્યો હતો. ત્યારે લગ્નની પહેલી રાત્રિએ જ પત્નીએ પતિને ચામાં ઘેનની દવા આપી હતી અને તેને લૂંટીને ફરાર થઈ ગઈ હતી.
લૂંટેરી દુલ્હન ઘરમાં રહેલ રૂપિયા ૨૫,૦૦૦ સહીત પતિનો મોબાઈલ લઇને ફરાર થઈ ગઈ હતી. પતિ ભાનમાં આવતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. ત્યારે લૂંટેરી દુલ્હનનો ભોગ બનનાર દિલીપભાઈએ રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી લૂંટેરી દુલ્હનનો ચોંકાવનારો કિસ્સો બન્યો છે. સુરેન્દ્રનગરના લીંબડી તાલુકામાં લગ્ન બાદ ૨૧ દિવસે દુલહન ફરાર થઈ જવાનો બનાવ બન્યો છે. પરિણીતા માનતા પૂરી કરવાના બહાને પરત ગયા બાદ ફોન ઉપાડવાનુ બંધ કરી દીધુ હતું.
આખરે લીંબડી તાલુકાના વરરાજાને અઢીલાખ રૂપિયાનો ચૂનો ચોપડીને લૂંટેરી દુલ્હન ફરાર થઈ ગઈ હતી. ગત માર્ચ મહિનામાં યુવકે હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન કર્યા હતા. ‘દુલ્હન કે રૂપિયા કંઈ પરત નહિ મળે, થાય તે કરી લો’ તેવા જવાબો મળ્યા હતા.
લૂંટેરી દુલ્હનની ખુલ્લેઆમ સોદાબાજી થતી હોય તેવો વીડિયો પણ સામે આવ્યો છે. રૂપિયા લેતા હોય એવા વીડિયો વાયરલ થયો છે. વીડિયો વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. ગુજરાતમાં લગ્નવાંછુક યુવકો લૂંટેરી દુલ્હનોની માયાજાળમાં ફસાઈ રહ્યાં છે. પહેલા પરિણીતાઓ લગ્ન કરે છે, અને બાદમાં યુવકોને લૂંટીને જતી રહે છે.ss2kp