ગાંધીનગરની સેન્ટ ઝેવયર્સ અને માઉન્ટ કાર્મેલ સ્કૂલનો સુવર્ણ જયંતી મહોત્સવ ઉજવાયો
સ્વતંત્રતા-પ્રયોગશીલતા દ્વારા શિક્ષકો વધુ કાર્યદક્ષતાથી વિદ્યાર્થીઓના ઘડતરમાં શ્રેષ્ઠ પ્રદાન કરી શકે : રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલી
શારીરિક, બૌદ્ધિક, વ્યાવસાયિક અને ભાવનાત્મક કાર્યક્ષમતાને વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે આવશ્યક ગણાવતા રાજ્યપાલશ્રી
ગુજરાતના રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલીએ ગાંધીનગરની સેન્ટ ઝેવીયર્સ અને માઉન્ટ કાર્મેલ સ્કૂલના સુવર્ણ જયંતી મહોત્સવની ઉજવણી પ્રસંગે શિક્ષકોની સ્વતંત્રતા અને પ્રયોગશીલતા ઉપર ભાર આપી જણાવ્યું હતું કે, શાળામાં શિક્ષકોને સ્વતંત્રતા આપવામાં આવતી હોય અને શિક્ષકો સ્વયં પ્રયોગશીલ બની શિક્ષણ કાર્યને વધુ અસરકારક બનાવનારા શિક્ષકો વિદ્યાર્થીઓના ઘડતરમાં શ્રેષ્ઠ પ્રદાન કરી શકે છે.
ગાંધીનગરની સેન્ટ ઝેવીયર્સ અને માઉન્ટ કાર્મેલ સ્કૂલના સુવર્ણ જયંતી મહોત્સવ પ્રસંગે ગોલ્ડન જ્યુબિલી પરેડની બેટનનો સાનંદ સ્વીકાર કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, શિક્ષણનું મુખ્ય કાર્ય વિદ્યાર્થીઓના સશક્તિકરણનું છે. વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્તશક્તિને યોગ્ય માર્ગદર્શન દ્વારા બહાર લાવી છાત્રોને સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા સક્ષમ બનાવવાનું ભગીરથ કાર્ય શિક્ષણથી જ થાય છે. આજે ભારતમાં પરિવર્તનનો દોર ચાલી રહ્યો છે, તેની ઝલક આપતા રાજ્યપાલશ્રીએ આજનો સમય સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગ્લોબલાઇઝેશન અને વૈશ્વિક એકતાનો ગણાવી વિદ્યાર્થીઓને ભાવિ પડકારોનો સામનો કરવાની સજ્જતા કેળવી સર્વાંગી વિકાસની હિમાયત કરી હતી. સર્વાંગી વિકાસ માટે રાજ્યપાલશ્રીએ શારીરિક, વૈશ્વિક, વ્યાયસાયિક અને ભાવનાત્મક કાર્યક્ષમતાના વિકાસ ઉપર પણ ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતી વર્ષ પ્રસંગે પૂ બાપૂનો સંદેશો ‘શિક્ષિત વ્યક્તિ સંવેદના અને કરૂણાથી સભર હોવી જોઇએ’ ને સાર્થક કરવા આજની પેઢીને ભારપૂર્વક અનુરોધ પણ કર્યો હતો.
શિક્ષણ અને રાષ્ટ્રભાવનાના ધ્યેયને ઉજાગર કરતો સેન્ટ ઝેવીયર્સ અને માઉન્ટ કાર્મેલ સ્કૂલનો સુવર્ણ જયંતી મહોત્સવ સેન્ટ ઝેવીયર્સ સ્કૂલ, સેકટર-૮, ગાંધીનગર ખાતે યોજાયો. ગોલ્ડન જ્યુબીલી પરેડ જૂની સેન્ટ ઝેવીયર્સ સ્કૂલ સેકટર-૨૦થી શરૂ થઇ માઉન્ટ કાર્મેલ સ્કૂલ સેકટર-૨૧ થઇ નવી સેન્ટ ઝેવીયર્સ સ્કૂલ સેકટર-૮ ખાતે પહોંચી હતી.
આ પ્રસંગે સેન્ટ ઝેવીયર્સ સ્કૂલના આચાર્ય ફાધર દુરાઇએ જણાવ્યું કે, ગાંધીનગરની સેન્ટ ઝેવીયર્સ અને માઉન્ટ કાર્મેલ સ્કૂલ બાળકોના માનસિક અને શારીરિક વિકાસને ધ્યાને રાખીને શૈક્ષણિક કાર્ય કરી રહી છે. સેન્ટ ઝેવીયર્સના ફાધર હેકટર પીન્ટો અને બીશપ થોમસ મેકવાન જેવા પીઢ વ્યક્તિઓ આ સંસ્થાઓ માટે કરોડરજ્જુ સમાન છે. આ સુવર્ણ જયંતી ઉત્સવે માઉન્ટ કાર્મેલ શાળાના આચાર્ય સીસ્ટર જેનીફરે સૌનું સ્વાગત કરતા જણાવ્યં હતું કે, માઉન્ટ કાર્મેલ અને સેન્ટ ઝેવીયર્સ સ્કૂલ બાળકોની આંતરિક શક્તિઓને ખીલવી સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં મહત્વનું યોગદાન પ્રદાન કરી ગાંધીનગરનું ગૌરવ વધાર્યુ છે.
આ સુવર્ણ જયંતી ઉત્સવમાં બન્ને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રભક્તિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતી કરવામાં આવી હતી. આ સુવર્ણ જયંતી ઉત્સવમાં ફાધર ફ્રાન્સીસ પરમાર, માઉન્ટ કાર્મેલ શાળાના સીસ્ટર હમલીના તથા બન્ને શાળાના શિક્ષકગણ, ભૂતપૂર્વ વિદ્યાથીઓ, નિવૃત્ત શિક્ષકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.