Western Times News

Gujarati News

વાવના ધારાસભ્ય જાહેર કાર્યક્રમમાં અપશબ્દ બોલ્યા

વાવ, ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ભાજપ ફરી સત્તા મેળવવાના પ્રયાસમાં લાગી ગયો છે તો કોંગ્રેસ ભાજપને સત્તા પરથી ઉખાડી ફેંકવા પાસા ગોઠવી રહી છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક યુદ્ધ પણ ચરમસીમા પર પહોંચી ગયું છે. ત્યારે કોંગ્રેસના વાવના ધારાસભ્ય ગેનીબેને ઠાકોરે આજે એક નવો વિવાદ ઊભો કરી દીધો છે.

બનાસકાંઠા જિલ્લાના વાવ ખાતે કોંગ્રેસ દ્વારા જનવેદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સભાને સંબોધવા દરમિયાન વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન તેમની જીભ લપસી હતી.

તેમણે જાહેર મંચ પરથી અપશબ્દનો પ્રયોગ કરતા વિવાદ ઊભો થઈ ગયો છે. કોંગ્રેસની આ જનસભામાં વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી, થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતા અને કાર્યકરો તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ગેનીબેનના આ અપશબ્દ પર વળતો પ્રહાર કરતા આપતા ભાજપે કહ્યું કે, કોંગ્રેસના લોકો સતત હારના કારણે બેબાકળા બની ગયા છે. આ જનવેદના કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંબોધતા ગેનીબેન ઠાકોરે રાજ્યમાં મહિલાઓની છેડતી અને તેમની સુરક્ષાને લઈને ભાજપને નિશાના પર લેતા કહ્યું હતું કે, ગુજરાતમાં કોઈ એવો દિવસ નહીં હોય કે જ્યારે બહેન-દીકરીઓ પર દુષ્કર્મ ન થયું હોય.

તે પછી અપશબ્દ બોલીને તેમણે કહ્યું કે, તમારા (ભાજપ)ના રાજમાં બહેન-દીકરીઓ પણ સુરક્ષિત નથી. તેમણે ગુજરાતમાં દારુની રેલમછેલ પર બોલતા કહ્યું કે, ગુજરાતમાં કઈ જગ્યાએથી બીલથી દારૂ લઈને આવ્યા છો. તમે કઈ દુકાનેથી દારૂ લઈને આવ્યા છો તેની કોઈ તપાસ કરવામાં આવી નથી. તેમણે આક્ષેપ કર્યો કે, ઢીમામાં ચૂંટણી જીતવા કન્ટેનર ભરીને દારૂ લવાયો હતો.

ભાજપ રૂપિયા આપી અન્ય પક્ષના નેતાઓને ખરીદતો હોવાનો ઈશારો કરતા ગેનીબેને કહ્યું કે, ભાજપની તાકાત નથી કે જિજ્ઞેશ મેવાણી, ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂતને પૈસાથી ખરીદી શકે. આ લડાઈ સરકારે જેની સામે ખોટી ફરિયાદ કરી છે, તે કેસ પાછા ખેંચવાની છે.

ગેનીબેન દ્વારા બોલાયેલા અપશબ્દ સામે વળતો પ્રહાર કરતા ભાજપે કહ્યું કે, કોંગ્રેસના લોકો સતત હારના કારણે બેબાકળા બની ગયા છે. ભાજપના નેતા હિતેન્દ્ર પટેલે પ્રહાર કરતા કહ્યું કે, સતત હારના કારણે તેઓ બેબાકળા બની ગયા છે, જેથી વાણીવિલાસ કરી રહ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.