બનાસ ડેરીના ઉત્પાદનનો સ્વાદ આંધ્રપ્રદેશના ૬ જિલ્લામાં પહોંચશે
પાલનપુર, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ચેરમેન શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં બનાસની જેમ દેશના અન્ય રાજ્યના ખેડૂતો આત્મનિર્ભર બને અને પશુપાલનના વ્યવસાય થકી આર્થિક સક્ષમ બને તે માટે એશિયાની સૌથી મોટી અને શ્રેષ્ઠ ડેરી બનાસ ડેરી ભગીરથ કાર્ય કરી રહી છે.
આંધપ્રદેશ સરકાર અને ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના સાથ-સહકારથી બનાસ ડેરીએ ટૂંકાગાળામાં આંધપ્રદેશના વિશાખાપટ્ટનમની નજીક અચ્યુતાપુરમ ખાતે પેકેજીંગ પ્લાન્ટની શરૂઆત કરીને અમૂલ બનાસના દૂધ ઉત્પાદનોનાં વેચાણનો વ્યાપ વધે તે માટેના શ્રી ગણેશ કર્યા છે.
અનાકાપલ્લી જિલ્લા કલેક્ટરના હસ્તે અને બનાસ ડેરીના જનરલ મેનેજર પ્રફુલ્લ ભાનવડિયા અને પ્રોડક્શન મેનેજર ઉમેશ પરીખની ઉપસ્થિતિમાં મિલ્ક ચિલિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું.
આવનાર સમયમાં આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ, શ્રી કાકુલમ્, વિજયનાગરમ, કાકીનાડા, કોનાસીમા, અનકાપલ્લી એમ ૬ જિલ્લામાં અમૂલ બનાસના ઉત્પાદનોનો સ્વાદ પહોંચશે. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં આંધ્રપ્રદેશમાં થઈ રહેલા ડેરી ઉદ્યોગના વિકાસને વધુ વેગ આપવા માટે આગામી સમયમાં બનાસ ડેરી દ્વારા ૫ ચિલિંગ સેન્ટર બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.