પોરમાં મોબાઈલ શોપનો વેપારી ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન્યો
વડોદરા, વડોદરા તાલુકાના પોર ગામે મોબાઈલ શોપ ધરાવતા વેપારીએ ક્રેડિટ કાર્ડમાં પોઈન્ટ જાેવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરતાની સાથે તેમના બેંક ખાતામાંથી ૭પ હજાર ઉપડી ગયા હતા તેઓ ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનતા વરણામાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
વડોદરા તાલુકાના પોર ગામે રહેતા રવિભાઈ નટવરભાઈ પટેલ પોર જીઆઈડીસીમાં મોબાઈલની શોપ ધરાવે છે તેઓ પાસે સાઉથ ઈન્ડિયા બેંકનું વન કંપની ક્રેડિટ કાર્ડ છે અને આ કાર્ડ પરથી શોપિંગ કરે તો તેમને રિવર્સ પોઈન્ટ મળે છે.
જેથી તેઓ આ કાર્ડ પરથી શોપિંગ કરતા હતા. ગત ૧૯મીએ તેઓ દુકાનમાં બેઠા હતા ત્યારે તેમના કાર્ડમાં કેટલા પોઈન્ટ મળ્યા છે તે જાણવા માટે કંપનીના કસ્ટમર કેરના નંબર પર ફોન કરીને જણાવ્યું હતું કે, ક્રેડિટ કાર્ડમાં પોઈન્ટ બતાવતા નથી ત્યારે સામેથી જવાબ મળ્યો કે તમને બીજા નંબર પરથી કોલ આવશે.
બીજા નંબર પરથી ફોન આવ્યો અને કંપનીના કસ્ટમર કેરમાંથી બોલતા હોવાની જાણકારી આપી એની ડેસ્ક નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે જણાવ્યું હતું અને વેપારી પાસે એપ્લિકેશન ડાઉનલોડ કરાવ્યા બાદ વેપારીના મોબાઈલ પર એકદમથી ઓટીપી આવવાના શરૂ થઈ ગયા હતા. વેપારીએ પુછયું કે મારા ફોન પર શેના ઓટીપી આવી રહ્યા છે તો કસ્ટમર કેરમાંથી જણાવ્યું હતું કે ઓટીપી પર ધ્યાન ના આપશો જેથી વેપારીને શંકા જતા તેમને ફોન કાપી નાખ્યો હતો.
જે ચાર ક્રેડિટ કાર્ડમાંથી જાેતજાેતામાં વિવિધ વ્યવહારો થકી રૂપિયા ૭પ હજાર ઉપરાંતની રકમ કપાઈ ગયેલ હોવાનું જાેવા મળ્યું હતું જેથી પોતે ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું જણાઈ આવતા તેમણે વરણામાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.