મુખ્યમંત્રીનો ઓનલાઇન જનફરિયાદ નિવારણ અંગેનો રાજ્યકક્ષાનો ‘સ્વાગત’ તા.ર૬મી એ યોજાશે
(માહિતી) ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી ગુરૂવાર, તા.ર૬મી મે-૨૦૨૨ એ રાજ્યકક્ષાના ‘સ્વાગત’ ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ગાંધીનગર ખાતે અરજદારોની રજૂઆતો પ્રત્યક્ષ સાંભળશે તેમજ તેમની સમસ્યાના યોગ્ય ઉકેલ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરશે.
રાજ્યના નાગરિકો-જનતા જનાર્દનની ફરિયાદો રજૂઆતોના ટેક્નોલોજીના માધ્યમથી સંવાદ-માર્ગદર્શન દ્વારા નિવારણનો આ ‘‘સ્ટેટ વાઇડ એટેન્શન ઓન પબ્લીક ગ્રિવન્સીસ બાય એપ્લીકેશન ઓફ ટેક્નોલોજી’’ (SWAGAT) સ્વાગત કાર્યક્રમ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના તેમના મુખ્યમંત્રી પદ કાળ દરમ્યાન ૨૦૦૩ થી શરૂ કરાવેલો છે.
એટલું જ નહિ, આ સ્વાગત કાર્યક્રમને ગુડ ગવર્નન્સ માટેના તેમજ પ્રજાજનોની સમસ્યાના સુચારુ નિવારણ માટેની શ્રેષ્ઠતા અંગેના યુ.એન એવોર્ડ સહિતના અનેક એવોર્ડ પણ મળેલા છે. આ ‘સ્વાગત’ કાર્યક્રમ અંતર્ગત દર મહિનાના ચોથા ગુરૂવારે યોજાતા રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રી નાગરિકોની ફરિયાદો રજૂઆતો પ્રત્યક્ષ સાંભળે છે.
તદઅનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્વર્ણિમ સંકુલ-ર ના ભોંયતળિયે અદ્યતન ટેક્નોલોજી-સુવિધાથી સજ્જ વિશાળ બેઠક ક્ષમતા સાથેના નવનિર્મિત સ્વાગત કક્ષમાં તા. ર૬મી મે-૨૦૨૨ ગુરૂવારે બપોરે ૩ કલાકે આ રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજવાના છે.
તાલુકા કક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ પ્રતિમાસના ચોથા બુધવારે તેમજ જિલ્લા સ્વાગત ચોથા ગુરૂવારે સવારે યોજવામાં આવે છે. મુખ્યમંત્રી રાજ્ય સ્વાગત કાર્યક્રમ બાદ જિલ્લા કક્ષાએથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સહભાગી થયેલા જિલ્લા અધિકારીઓનું માર્ગદર્શન પણ કરશે.