ગુજરાત–ઉત્તરપ્રદેશ મૈત્રી દિવસની લખનઉ ખાતે ભવ્ય ઉજવણી

બન્ને રાજ્યોની સંસ્કૃતિને પ્રોત્સાહ મળવુ જરૂરી : ગુજરાત મારો પોતાનો પ્રદેશ છે પણ હવે ઉત્તરપ્રદેશ પણ મારુ છે : રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ
ઉત્તરપ્રદેશનાં લખનઉ ખાતે તા.૨૩ મે, ૨૦૨૨ના રોજ ગુજરાત-ઉત્તર પ્રદેશ મૈત્રી દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાતનાં કલાકારો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. લખનઉના સંત ગાડગેજી મહારાજ ઓડિટોરીયમ ખાતે “એક ભારત શ્રેષ્ઠ ભારત” યોજના અંતર્ગત આયોજીત આ કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના મહામહિમ રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.
ઉત્તરપ્રદેશ અને ગુજરાત વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાન વિશે રાજ્યપાલશ્રી આનંદીબહેન પટેલે કહ્યું હતુ કે યુવા પેઢી અને એમા પણ ખાસ કરીને નવોદિત કલાકારો માટે આ બાબત સંજીવની સાબિત થશે. આ સાથે બન્ને રાજ્યોની સાંસ્કૃતિક વિરાસત વધુ મજબુત બનશે અને બન્ને રાજ્યોના નાગરિકો એકબીજાની વધુ નજીક આવી શકશે. આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન ખરા અર્થમાં એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવી શકે છે તેથી બન્ને રાજ્યોની સંસ્કૃતિને સતત પ્રોત્સાહન મળવુ જોઈએ.
ઉત્તરપ્રદેશના કલાકારો દ્વારા રજુ કરવામાં આવેલા ચારકુલા નૃત્ય નિહાળી રાજ્યપાલશ્રીએ ઉમેર્યુ હતું કે આ નૃત્ય વ્રજની હોળીના ગૌરવ સમાન છે અને તેનો ઉદભવ રાધારાણીના જન્મ સાથે જોડાયેલો છે.ગુજરાતથી ઉત્તર પ્રદેશ પધારેલા તમામ ગૃપને રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલના હસ્તે રૂ.૫૧, ૦૦૦૦/- ચેક અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ ગુજરાતથી ઉત્તરપ્રદેશ આવેલા અધિકારીશ્રીઓ અને કલાકારોને રાજભવન ખાતે આમંત્રિત કર્યા હતા.
ઉત્તરપ્રદેશના સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રીશ્રી જયવીર સિંહે પોતાના ઉદબોધનમાં જણાવ્યુ હતુ કે, ઉત્તર પ્રદેશની ધરતી પર ભગવાન શ્રી કૃષ્ણએ અવતાર લઈને માત્ર ભારત જ નહી પરંતુ સમગ્ર વિશ્વને નવી દીશા અને માર્ગદર્શન આપ્યુ છે. ગુજરાત અને ઉત્તર પ્રદેશ વચ્ચે થયેલા એમ.ઓ.યુ.ની પ્રશંસા કરતા તેમણે ઉમેર્યુ હતું કે હવે બન્ને રાજ્યોની સાંસ્કૃતિક બાબતો અને કલાકારોને વિશેષ પ્રોત્સાહન મળશે.
ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવશ્રી અશ્વિની કુમારે બે રાજ્યો વચ્ચે થયેલા એમ.ઓ.યુ. અંગે કહ્યું હતું કે આ બાબત માત્ર બે રાજ્યો વચ્ચે થયેલો સાંસ્કૃતિક વિષયોનો કરાર નથી પરંતુ આ એમ.ઓ.યુ.એ સાંસ્કૃતિક બાબતોને વધુ વિકસાવવા માટેનો માઈલ સ્ટોન છે.
ગુજરાત સ્થાપના દિવસના ઉપલક્ષ્યમાં યોજાયેલ ઉત્તરપ્રદેશ ગુજરાત-મૈત્રી દિવસ કાર્યક્રમમાં ગુજરાતનાં કલાકારો પ્રારંભમાં નર્મદા અષ્ટકમ રજુ કરવામાં આવ્યું હતું ત્યારબાદ આપણા પારંપરિક નૃત્યો જેવા કે ડાંગી નૃત્ય, તલવાર રાસ અને મણિયારો રાસ રજૂઆત કરવામાં આવ્યા હતા.
જ્યારે ઉત્તરપ્રદેશના કલાકારો દ્વારા ચરકુલા નૃત્ય, લઠ્ઠ માર, ફુલોની હોળી તથા કરમા નૃત્ય રજુ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉત્તરપ્રદેશના મુખ્ય સચિવશ્રી, ઉપ મુખ્ય સચિવશ્રી અવનીશ કુમાર અવસ્થી, અયોધ્યા શોધ સંસ્થાનના નિદેશક શ્રી લવકુશ દ્વિવેદી, તથા ગુજરાત અને ઉત્તર પ્રદેશના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.