લાભ પાંચમથી હેલ્મેટ-PUC નો કડક અમલ થશેઃ વાહન વ્યવહાર મંત્રી
કાયદાના પાલનમાં હવે મુદત વધારવામાં નહીં આવે
(એજન્સી) અમદાવાદ, વાહન ધારકો-ચાલકો લાભ પાંચમ પછી ફરી ‘સખ્તી’ અનુભવશે. હેલ્મેટ અને પીયુસી સહિતના મામલે કેન્દ્રના નવા મોટર વ્હીકલ એક્ટના પાલનમાં હવે કોઈ છૂટછાટ નહં આપવામાં આવે. લાભ પાંચમથી સમગ્ર રાજ્યમાં નવા ટ્રાફિક કાયદાનો અમલ કરવામાં આવશે. એવી રાજ્યના વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ જાહેરાત કરી છે.
નોંધનીય છે કે રાજ્યમાં આ મુદ્દે ભારે ઉહાપોહ થયો હતો અને સરકારે પેટા-ચૂંટણીઓને ધ્યાને રાખી અમલવારી ૩૧મી ઓક્ટોબર સુધી મોકૂફીની જાહેરાત કરી હતી. હવે તા.ર૦ને સોમવારે મતદાન પૂર્ણ થઈ ગયુ હોઈ, સરકાર ‘જનભાવના’ની સાડીબારી રાખ્યા વિના નવા ટ્રાફિક કાયદાનો કડક અમલ કરવા માટે સજ્જ થઈ છે. હાલ પીયુસી સાથે ન હોય અથવા ટુ વ્હીલર્સ વાહનચાલકે હેલ્મેટ ન પહેર્યુ હોય તો દંડમાંથી મુક્તિ છે. હવે મુદત પૂરી થતા સરકાર તેનો અસરકારક અમલ કરાવવા માંગે છે.
દરમ્યાન વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ જણાવેલ કે સરકારની દ્રષ્ટીએ પ્રત્યેક માનવજીવન ખુબ કિંમતી છે. હેલ્મેટ લોકોના હિત માટે છે. સરકારે પીયુસી મેળવી લેવા અને હેલ્મેટ ખરીદવા માટે લોકોને પૂરતો સમય આપ્યો છે. તા.૩૧મી ઓક્ટોબર મુક્તિની મુદત પૂરી થઈ રહી છે. હવે મુદત વધારવાની સરકારી કોઈ વિચારણા નથી. તા.૧ નવેમ્બર ((લાભ પાંચમથી) સરકાર ટ્રાફિકના તમામ નવા નિયમોનો અમલ કરાવવા માંગે છે. લોકો સરકારની લાગણી સમજી સહકાર આપે એવી મારી અપીલ છે.