કોરોના મહામારી બાદ દિલ ખોલીને દાન કરી રહ્યા છે ભક્તો
અમદાવાદ, જેમ-જેમ કોવિડ ૧૯ના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે તેમ-તેમ ફરીથી મંદિરોમાં ભક્તોનો ધસારો વધી રહ્યો છે. લોકડાઉન વખતે પ્રવેશ પર લગાવલા પ્રતિબંધો પણ દૂર કરાતાં ભક્તો ગુજરાતના પ્રખ્યાત મંદિરોમાં ઉમટી રહ્યા છે અને તેના કારણે દાનની પેટીઓ પણ છલોછલ ભરાઈ રહી છે.
વેરાવળનું સોમનાથ મંદિર, દ્વારકાનું દ્વારકાધીશ મંદિર અને ડાકોરનું રણછોડરાયજીનું મંદિર, જ્યાં રાજ્યમાં કોરોના મહામારીના કારણે દાનની ઓછી આવક થઈ હતી તે ફરીથી પહેલા જેવી થઈ ગઈ છે. હકીકતમાં ભક્તોએ કોરોના પહેલા ૨૦૧૯-૨૦ના વર્ષમાં જેટલું દાન કર્યું હતું તેના કરતાં વધારે દાન અત્યારે કરે છે. કોવિડ-૧૯ લોકડાઉન દરમિયાન, ગુજરાતના મંદિરો આશરે છ મહિના સુધી બંધ રહ્યા હતા.
જ્યારે મંદિરો ફરીથી ખુલ્યા ત્યારે પણ લોકોએ ભીડમાં જવાનું ટાળ્યું હતું, જેના પરિણામે દાનની આવક પણ ઓછી થઈ હતી. જાે કે, પરિસ્થિતિ હવે સામાન્ય થઈ ગઈ છે, જે મુલાકાતીઓની સંખ્યા અને મળેલી દાનની સંખ્યામાં પ્રતિબિંબિત થાય છે.
નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં સોમનાથ મંદિરની આવક ૫૦.૯૫ કરોડ હતી, જ્યારે ૨૦૧૯-૨૦માં ૪૬.૩ કરોડ હતી ૨૦૨૦-૨૧માં કોવિડ સમયગાળા દરમિયાન તે ઘટીને ૨૩.૨૫ કરોડ થઈ ગઈ હતી.
દ્વારકાધીશ મંદિરની આવક, જે ૨૦૧૯-૨૦માં ૧૧.૦૩ કરોડ હતી, તે ઘટીને ૨૦૨૦-૨૧માં ૬.૪૪ કરોડ થઈ હતી. જાે કે, ૨૦૨૧-૨૨માં વધીને ૧૩ કરોડ રૂપિયા થઈ હતી. રણછોડરાય મંદિરને ૨૦૨૧-૨૨માં દાન પેટે ૧૪.૨ કરોડ રૂપિયા મળ્યા હતા, કોરોના પહેલા એટલે કે ૨૦૧૯-૨૦માં તેનો આંકડો ૧૪ કરોડ હતો.
૨૦૨૦-૨૧માં આવક ઘટીને ૭.૫ કરોડ રૂપિયા થઈ હતી. એક માત્ર એવું મંદિર જેણે મહામારી પહેલાના વર્ષમાં વધારો નોંધાવ્યો નહોતો તે અંબાજી હતું.
પરંતુ ૨૦૨૧-૨૨માં તે મંદિરની આવક પણ વધી હતી. બનાસકાંઠા ડેપ્યુટી કલેક્ટર આર કે પટેલ, જેઓ શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના એડમિનિસ્ટ્રેટર પણ છે, તેમણે કહ્યું હતું કે ૨૦૨૦-૨૧માં આવકમાં એકદમથી ઘટાડો થયો હતો કારણ કે મંદિર મુખ્ય તહેવારો પર બંધ રહ્યું હતું. ‘૨૦૧૯-૨૦માં દાનનો આંકડો ૫૧.૬૩ કરોડ હતો, જે ૨૦૨૦-૨૧માં ઘટીને ૩૧.૯૨ કરોડ થયો હતો.
૨૦૨૧-૨૨માં ૪૭.૭૬ કરોડનું દાન મળ્યું હતું’, તેમ પટેલે કહ્યું હતું. શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ કહ્યું હતું કે, સોમનાથ મંદિરમાં દર્શનાર્થે આવતા ભક્તોની સંખ્યામાં વધારો થયો છે. ‘કોરોના મહામારી પહેલાના વર્ષોમાં નિયમિત ૮થી ૯ હજાર ભક્તો મંદિરની મુલાકાત લેતા હતા, વીકએન્ડમાં આ આંકડો ૧૨ હજારથી ૧૫ હજાર રહેતો હતો.
મંદિરને હવે દર મહિને ૫ કરોડનું દાન મળે છે’, તેમ તેમણે કહ્યું હતું. જ્યારે મંદિર ફરીથી ખુલ્યું ત્યારે મહામારી પહેલાના સમયની સરખામણીમાં શ્રદ્ધાળુઓની સંખ્યા અડધી થઈ ગઈ હતી જાે કે, તેમાં હવે ૨૦ ટકાનો વધારો થયો છે. દાનની આવક પણ વધી છે’, તેમ ભગવાન રણછોડરાયજી મંદિરના ડેપ્યુટી જનરલ મેનેજર રવિન્દ્ર ઉપાધ્યાયે કહ્યું હતું.SS1MS