ચોમાસુ કેરળ પહોંચ્યા બાદ મંદ પડ્યું, વરસાદમાં વિલંબની વકી
પુણે, હવામાન શાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર, દેશમાં પ્રવેશતા પૂર્વે જ ચોમાસું (મોનસૂન ૨૦૨૨) નબળું પડી ગયું હોવાના અણસાર છે. ભારતીય હવામાન વિભાગે એવી આગાહી કરી હતી કે ૨૭ મે સુધીમાં ચોમાસું કેરળ પહોંચી જશે, જેમાં ચાર દિવસ વહેલું-મોડું થઈ શકે છે.
જાેકે, છેલ્લા કેટલાક દિવસોથી ચોમાસાની આગળ વધવાની ગતિ અવરોધાઈ છે. વળી, કેરળ સુધી પહોંચી ગયા બાદ પણ ચોમાસું મંદ પડી શકે છે.
હવામાન ખાતાના એક અધિકારીના જણાવ્યા અનુસાર, હવામાનના મોડેલ્સ એવું જણાવી રહ્યા છે કે કેરળ પહોંચ્યા બાદ દક્ષિણપશ્ચિમમાં બંગાળની ખાડી સુધી પહોંચવામાં ચોમાસું વધુ સમય લઈ શકે છે. સામાન્ય સંજાેગોમાં આ બંને જગ્યાએ ચોમાસું એક જ સમયે પહોંચતું હોય છે. જેનો સીધો અર્થ થાય છે કે કેરળ સુધી સમયસર પહોંચ્યા બાદ ચોમાસાને ત્યારબાદ આગળ વધવામાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે.
ચોમાસું આગળ વધતું હોય ત્યારે તેની ગતિમાં વધારો ઘટાડો થવો કોઈ નવી વાત નથી. હાલમાં જ તેમાં મજબૂતાઈ જાેવા મળી હતી. જાેકે, હવે પછી તેની ગતિમાં ઘટાડાની શક્યતા છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, અસાની વાવાઝોડાં બાદ ચોમાસું આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહો સુધી પહોંચ્યું ત્યારે તેની ગતિ ઝડપી હતી. જાેકે, હાલ મંદ પડેલી ગતિ ફરી વધવામાં થોડો સમય લાગશે.
આઈએમડી પૂણેની કચેરીના હવામાનની આગાહી કરતા વિભાગના વડા અનુપમ કશ્યાપીના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીના ચોમાસાની બ્રાન્ચમાં હાલ ખાસ હલચલ નથી દેખાઈ રહી.
ખાસ કરીને સાઉથ સેન્ટ્રલ અને સાઉથ ઈસ્ટની બંગાળની ખાડીમાં ચોમાસુ મંદ દેખાઈ રહ્યું છે. જ્યારે અરબ સાગરની ચોમાસાની બ્રાન્ચ ૩૦-૩૧ મેની આસપાસ એક્ટિવ બને તેવી સંભાવના છે, ત્યારબાદ બંગાળની ખાડીમાં ચોમાસું રફ્તાર પકડી શકે છે. આવનારા થોડા દિવસોમાં જ આ બાબતે સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
સ્કાયમેટ વેધર સર્વિસિસના પ્રમુખ જી.પી. શર્માના જણાવ્યા અનુસાર, દક્ષિણ ભારતના અમુક ભાગોમાં ગયા સપ્તાહે સારા એવા વરસાદી ઝાપટાં પડ્યાં છે, પરંતુ ત્યારબાદ ચોમાસામાં ખાસ હલચલ નથી જાેવા મળી. સ્વતંત્ર હવામાન શાસ્ત્રી અક્ષય દેવરાસના જણાવ્યા અનુસાર, અસાની વાવાઝોડાંને કારણે ચોમાસું અંદમાન સુધી તો વહેલું પહોંચી ગયું હતું, પરંતુ હાલ તેની ગતિ મંદ પડી ગઈ છે.
ચોમાસું ભલે ગુજરાત સુધી ૧૫ જૂનની આસપાસ પહોંચવાનું હોય, પરંતુ રાજ્યમાં અત્યારથી જ પ્રિમોન્સૂન એક્ટિવિટી શરુ થઈ ગઈ છે. ગરમીમાંથી સામાન્ય રાહત મળી છે, પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાને કારણે લોકોને ઉકળાટ સહન કરવો પડી રહ્યો છે.
બીજી તરફ, રાજ્યના સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં ગઈકાલથી વરસાદી માહોલ છે. વલસાડમાં મંગળવારે કેટલાક સ્થળોએ જાેરદાર ઝાપટાં પડ્યાં હતાં, તો રાજકોટમાં અડધો કલાકમાં અડધા ઈંચ જેટલો વરસાદ પડી ગયો હતો.SS3MS