રાજય સરકારે ગ્રાન્ટ ન ફાળવતા ર૪૦૦ સોસાયટીઓમાં જનભાગીદારીના કામો અટક્યા
મ્યુનિ. કોર્પો.એ સરકાર સમક્ષ રૂા.૧૪પ કરોડની ડીમાન્ડ કરી
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરની ખાનગી સોસાયટીઓમાં આર.સી.સી.રોડ, ડ્રેનેજ લાઈન તેમજ સ્ટ્રીટ લાઈટ માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ૭૦ઃર૦ઃ૧૦ ની સ્કીમ ચાલી રહી છે. ર૦૧રની વિધાનસભા ચૂંટણી સમયથી શરૂ થયેલ આ સ્કીમનો એક દાયકો પુરો થયો છે.
જે સમયગાળા દરમ્યાન ખાનગી સોસાયટીઓમાં આર.સી.સી.રોડ, ડ્રેનેજ અને સ્ટ્રીટ લાઈટના અંદાજે રૂા.૮૦૩ કરોડના કામ થયા છે. તેમ છતાં હજુ બે હજાર કરતા વધુ સોસાયટીઓની ફાઈલોનો નિકાલ બાકી હોવાની વિગતો બહાર આવી છે.
મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતી યોજના અંતર્ગત ખાનગી સોસાયટીઓ માટે અમલી જનભાગીદારી યોજનાને દસ વર્ષ પુરા થયા છે જેમાં રાજય સરકાર તરફથી ૭૦ ટકા અને મ્યુનિ. કોર્પોરેશનનો ફાળો ૧૦ ટકા રહે છે જયારે ર૦ ટકા હિસ્સો જે તે સોસાયટીનો રહે છે.
રાજય સરકારના પરિપત્ર બાદ સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટરો પણ તેમના બજેટ ફાળવી શકે છે ર૦૧રની સાલથી શરૂ થયેલ જનભાગીદારી યોજનામાં કુલ ૧૧૭૩પ સોસાયટીઓ તરફથી અરજીઓ મળી હતી જે પૈકી ૧૧ર૯૦ સોસાયટીઓની અરજી મંજુર કરવામાં આવી છે.
નાણાના અભાવે ર૪૧૭ સોસાયટીના કામ બાકી છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સરકાર સમક્ષ રૂા.૧૪પ કરોડની માંગણી કરવામાં આવી છે પરંતુ હજી સુધી સરકારે રકમ ફાળવી નથી. સુત્રોએ જણાવ્યા મુજબ ર૪૧૭ સોસાયટીઓમાં આર.સી.સી.રોડ, લાઈટ, ડ્રેનેજ જેવી સુવિધા માટે કુલ રૂા.ર૦૮ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. જેના ૭૦ ટકા મુજબ રૂા.૧૪પ કરોડની ડીમાન્ડ કરવામાં આવી છે. સરકાર તરફથી રૂા.૧૪પ કરોડ મળ્યા ન હોવા છતાં મ્યુનિ. કોર્પોરેશને પ્રાથમીકતા મુજબ કામ શરૂ કર્યા છે.
ખાનગી સોસાયટીઓની જનભાગીદારી યોજનામાં એપ્રિલ મહીનાના અંત સુધી કુલ રૂા.૮૦ર.૯૪ કરોડના કામ થયા છે. જેમાં રાજય સરકાર તરફથી રૂા.પ૩૯.૧૧ કરોડ ફાળવવામાં આવ્યા છે.
જયારે મ્યુનિ. કોર્પોરેશને રૂા.૭૭ કરોડનો ખર્ચ કર્યા છે. સ્થાનિક ધારાસભ્યો તરફથી રૂા.૪૬.ર૧ કરોડ અને લોકફાળામાંથી રૂા.૧૦૭.૮ર કરોડના કામ પૂર્ણ કરવામાં આવ્યા છે.
શહેરની ખાનગી સોસાયટીઓમાં આર.સી.સી. રોડના ૬૪૭૧, સ્ટ્રીટલાઈટના ર૭૭૩, ડ્રેનેજ લાઈનના ૪૧૯ તથા પાણી લાઈનના ૧૦ર૮ મળી કુલ ૧૦૬૯૧ કામ મંજુર કરવામાં આવ્યા છે જેના માટે રૂા.૧૦૦૩ કરોડના ટેન્ડર મંજુર કરવામાં આવ્યા છે. મ્યુનિ. કોર્પોરેશને રૂા.૬ર૭ કરોડના ખર્ચથી ખાનગી સોસાયટીઓમાં આર.સી.સી. રોડના કામ પુર્ણ કર્યા છે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.