બનાસકાંઠાનું કરમાવત તળાવ ભરવા માટે ઉપાયો ચકાસવા અધિકારીઓને સૂચના અપાઈ
ગાંધીનગરમાં પાણી પુરવઠા-જળસંપત્તિ મંત્રી સહિતના મંત્રીશ્રીઓ-બનાસકાંઠાના સાંસદશ્રીઓ –ધારાસભ્યો-પદાધિકારીઓ અને અધિકારીઓની ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ આપ્યું માર્ગદર્શન
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાનું કરમાવત તળાવ ભરવા માટેની લાંબા સમયની માંગણી અંગે તળાવ ભરવા માટે વિધેયાત્મક અભિગમ દાખવ્યો છે.
મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં તેમણે બનાસકાંઠાના વડગામ નજીકના આ કરમાવત તળાવમાં પાણી ભરવા માટેના ઉપાયો ચકાસવા અધિકારીઓને સૂચના આપી હતી.
આ બેઠકમાં પાણી પુરવઠા મંત્રી ઋષિકેશભાઇ પટેલ, રાજ્યમંત્રી જીતુભાઇ ચૌધરી તેમજ બનાસકાંઠા જિલ્લાના પ્રતિનિધિ અને રાજ્ય મંત્રી શ્રી કિર્તિસિંહ, ગજેન્દ્રસિંહજી પણ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠાનું આ કરમાવત તળાવ ભરવા અંગે જિલ્લાના ગ્રામીણ પ્રજાજનોની રજૂઆત સંદર્ભમાં સાંસદ શ્રી પરબતભાઇ પટેલ, શ્રી દિનેશભાઇ અનાવાડિયા, ધારાસભ્ય શ્રી શશીકાંત પંડયા,
પૂર્વ મંત્રી શ્રી હરિભાઇ ચૌધરી, બનાસડેરીના શ્રી સવશીભાઇ, જિલ્લા કિસાન મોરચાના શ્રી મેઘરાજભાઇ, તાલુકા પ્રમુખ શ્રી મોતીભાઇ, શ્રી કેશાજી ચૌહાણ તેમજ જિલ્લા પ્રમુખ શ્રી ગુમાનસિંહજી અને પદાધિકારી તથા અગ્રણીઓએ મુખ્યમંત્રીશ્રી અને વરિષ્ઠ મંત્રીશ્રીઓ તથા અધિકારીઓ સાથે વિશદ ચર્ચા-પરામર્શ કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ આ તળાવ ભરવા અંગે શું કાર્યયોજના અને આયોજન થઇ શકે તે જોવા માટે જળસંપત્તિ વિભાગ અને અન્ય સંબંધિત વિભાગોના મંત્રીશ્રીઓ અને સચિવોને સૂચના આપી હતી.
મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, સરદાર સરોવર નર્મદા નિગમના એમ.ડી અને અધિક મુખ્ય સચિવ શ્રી ડૉ. રાજીવકુમાર ગુપ્તા, પાણી પુરવઠા સચિવ શ્રી ધનંજય દ્વિવેદી, જળસંપત્તિ વિભાગના સચિવ શ્રી કે.એ.પટેલ, સચિવ શ્રી વિવેક કાપડીયા તેમજ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને બનાસકાંઠા જિલ્લા કલેકટર શ્રી આનંદ પટેલ વગેરે આ બેઠકમાં જોડાયા હતા.