મહારાષ્ટ્રના વધુ એક મંત્રી પર એન્ફોર્સમેન્ટની તવાઈ: સાત સ્થળોએ દરોડા પડાયા
મુંંબઈ, મહારાષ્ટ્રમાં શિવસેનાના વધુ એક પ્રધાન અનિલ પરબ પર એન્ફોર્સમેન્ટ ડીરેક્ટોરેટ દ્વારા તવાઈ ઉતારવામાં આવી છે. કરોડોની લાંચ મેળવ્યાના આક્ષેપ સાથે મની લોન્ડ્રીંગનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. એન્ફોર્સમેન્ટ ડીરેક્ટોરેટ દ્વારા રત્નાગીરી જિલ્લામાં એક જમીન સોદામાં મોટી ગરબડના આરોપ હેઠળ પરિવહન મંત્રી અનિલ પરબના સાત સ્થળોએ દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મની લોન્ડ્રીંગ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી છે. મુંબઈ અને પૂનાના સાત સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા છે. ૫૭ વર્ષના અનિલ પરબ મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં ત્રણ વખત શિવસેનાના ધારાસભ્ય બન્યા છે અને રાજ્યનાં પરિવહન મંત્રી તરીકેની જવાબદારી સંભાળે છે. રત્નાગીરી જિલ્લામાં અનિલ પરબે ૨૦૧૭માં એક કરોડ રુપિયાની જમીનની ખરીદી કરી હતી. જે અંતર્ગત આ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
૨૦૧૭માં ખરીદી બાદ તેનું રજીસ્ટ્રેશન ૨૦૧૯માં કરાવવામાં આવ્યું હતું. ૨૦૨૦માં આ જમીન ૧.૧૦ કરોડ રુપિયામાં એક કેબલ ઓપરેટરને વેચી નાખી હતી. ૨૦૧૭ થી ૨૦૨૦ દરમિયાન આ જમીનમાં એક રિસોર્ટ બનાવવામાં આવ્યો હતો.
આવકવેરા વિભાગની તપાસમાં એવું ખુલ્યું હતું કે ૨૦૧૭માં રિસોર્ટનું બાંધકામ શરુ કરાયું હતું અને તેમાં ૬ કરોડનો રોકડ ખર્ચ કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રના જ પૂર્વ મંત્રી અનિલ દેશમુખના એક કેસમાં પણ એન્ફોર્સમેન્ટ ડીરેક્ટોરેટે અગાઉ અનિલ પરબની પૂછપરછ કરી હતી. મહારાષ્ટ્રનાં આ બીજા મંત્રી પર ઇડીની તવાઈ ઉતરતાં રાજકીય ખળભળાટ સર્જાયો છે.