ઈન્ફોસિસના સીઈઓના વાર્ષિક પગારમાં ૮૮% વધારો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/05/Infosys.webp)
મુંબઈ, ટોચની સોફ્ટવેર ઉત્પાદક કંપની ઇન્ફોસિસના સીઈઓ સલીલ પારેખના વાર્ષિક પગારમાં ૮૮ ટકાનો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. હવેથી સલીલ પારેખને વર્ષે ૮૦ કરોડનો પગાર ચુકવાશે. આ સાથે તેઓ ભારતમાં સૌથી ઉંચો પગાર મેળવતા એક્ઝિક્યુટિવ્સ પૈકી એક બની ગયા છે. તાજેતરના વર્ષોમાં ઈન્ફોસિસે ઇન્ડસ્ટ્રીમાં જે જાેરદાર દેખાવ કર્યો છે તેને ટાંકીને કંપનીએ આ પગારવધારો કર્યો છે.
ઇન્ફોસિસના મોટા ભાગના સ્થાપકો મિડલક્લાસમાંથી આવેલા છે અને કંપનીએ પણ નાના પાયે શરૂઆત કરી હતી. તેથી ટોચના એક્ઝિક્યુટિવ્સને આટલો ઉંચો પગાર આપવા માટે કંપની રાજી થાય તેનાથી ઘણા લોકોને નવાઈ લાગી છે. તેથી કંપનીઓ સલીલ પારેખને આટલો પગાર આપવા પાછળ લાંબો ખુલાસો પણ કર્યો છે.
હજુ એક દિવસ પહેલાં જ કંપનીએ સલીલ પારેખને વધુ પાંચ વર્ષ માટે કંપનીના એમડી અને ચીફ એક્ઝિક્યુટિવ તરીકે નવેસરથી એપોઈન્ટ કર્યા હતા. હવે તેઓ ૧ જુલાઈ ૨૦૨૨થી ૩૧ માર્ચ ૨૦૨૭ સુધી આ હોદ્દા પર રહેશે. સલીલ પારેખના પગારમાં આટલો મોટો વધારો કરવામાં આવ્યો તેના માટે ઘણા કારણો જવાબદાર છે. આ કંપનીના શેરહોલ્ડર્સના વળતરમાં વધારો થયો છે, કંપનીની માર્કેટ કેપિટલ વધી છે અને ગ્રોથમાં પણ વધારો થયો છે.
જાેકે, સલીલ પારેખને તમામ પગાર વધારો હાથમાં મળી જશે તેવું નથી. પગારવધારાનો ૯૭ ટકા હિસ્સો તેમના પરફોર્મન્સ સાથે સંકળાયેલો છે. નવા પગારભથ્થા પ્રમાણે ફિક્સ પગારનો હિસ્સો કુલ વેતનના ૧૫ ટકા કરતા પણ ઓછો છે. સલીલ પારેખના પરફોર્મન્સ આધારિત પગારનો ૭૦ ટકા હિસ્સો આરએસયુઅથવા પીએસયુગ્રાન્ટ સાથે સંકળાયેલો છે. તેથી કંપનીના શેરનો દેખાવ કેવો છે તેના આધારે તેમને વળતર મળશે.
૨ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ સલીલ પારેખે ઈન્ફોસિસનો ચાર્જ સંભાળ્યો ત્યારે કંપનીના સહ-સ્થાપક અને ચેરમેન નંદર નીલેકણીએ તેમને ઈન્ફોસિસને લીડ કરવા માટે યોગ્ય વ્યક્તિ ગણાવ્યા હતા. ચાર વર્ષમાં પારેખે તેમની ક્ષમતા પૂરવાર કરી દેખાડી છે.
એક સમયે ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિ અને સીઈઓ વિશાલ સિક્કા વચ્ચે ટકરાવ થયો ત્યારે કંપનીની પ્રતિષ્ઠાને નુકસાન થયું હતું.
બ્રોકરેજ કંપની જેપી મોર્ગને તાજેતરમાં ભારતીય આઈટી સેક્ટરને ડાઉનગ્રેડ કર્યું છે અને અંડરવેઈટ રેટિંગ આપ્યું છે. આ ઉપરાંત આઈટી કંપનીઓના શેરના ટાર્ગેટમાં પણ ૧૦થી ૨૦ ટકાનો ઘટાડો કર્યો છે. ૨૦૨૨ના ત્રીજા ક્વાર્ટર સુધી આઈટી સેક્ટરનો ગ્રોથ સારો હતો જે હવે ધીમો પડ્યો છે તેમ તેણે જણાવ્યું હતું.SS2MS