મ્યુનિ. કોર્પો.માં વોટર મીટર બાદ “ફલો મીટર” કૌભાંડ: રૂા.૭૦ કરોડના પ્રોજેકટની ફાઈલ ગાયબ હોવાની શંકા
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વોટર મેનેજમેન્ટમાં નિષ્ફળ સાબિત થઈ રહયુ છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દૈનિક ૧૪૦૦ એમએલડી પાણી સપ્લાય થાય છે તેમ છતાં અનેક વિસ્તારોમાં અપુરતા પ્રેશર કે પાણી સપ્લાય ન થવાની ફરીયાદો કાયમી બની ગઈ છે.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા “વોટર સ્કાડા” સીસ્ટમ ઈન્સ્ટોલ કરવામાં આવી છે. તેમાં પણ તંત્રના ફાળે નિષ્ફળતા આવી છે તેમ છતાં “સ્કાડા” સીસ્ટમના કોન્ટ્રાકટરના લાભાર્થે વોટર ફલો મીટર ઈન્સ્ટોલ કરવાનો પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે.
ચોંકાવનારી બાબત એ છે કે મ્યુનિ. વોટર ઓપરેશન વિભાગના તત્કાલીન એડી. ઈજનેરે સતાધારી પાર્ટીની આંખમાં ધુળ નાંખવા માટે સદ્ર પ્રોજેકટને “સ્માર્ટ સીટી” અંતર્ગત શરૂ કર્યો હતો જેના કારણે પ્રોજેકટની ટેન્ડર પ્રક્રિયા સ્ટેન્ડીંગ કમીટી સમક્ષ આપી ન હતી, જયારે રૂા.૬૦ કરોડથી વધુ રકમના પ્રોજેકટ માટે કોઈ જ સ્ટડી રીપોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યો નથી. આ સમગ્ર કૌભાંડને છુપાવવા માટે હાલ પુરતી તેની ફાઈલ જ ગાયબ કરી દેવામાં આવી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.
મ્યુનિ. વોટર ઓપરેશન્સ વિભાગ દ્વારા ર૦ર૦ના વર્ષમાં “વોટર ફલો મીટર” પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો હતો. સામાન્ય રીતે “વોટર સ્કાડા” સીસ્ટમ કાર્યરત થયા બાદ આ પ્રોજેકટની કોઈ જ જરૂરીયાત રહેતી નથી પરંતુ સ્કાડા સીસ્ટમના કોન્ટ્રાકટર સાથે મજબુત સાંઠગાંઠ હોવાથી વોટર ઓપરેશન વિભાગના તત્કાલીન એડી. ઈજનેર સમગ્ર પ્રોજેકટ “સ્માર્ટ સીટી” માં લઈ ગયા હતા તથા “સ્માર્ટ સીટી”ના કન્સલટન્ટ TWCની પ્રોજેકટ મેનેજર તથા કન્સલટન્ટ તરીકે નિમણુંક કરી હતી.
સુત્રોએ જણાવ્યા મુજબ આ કન્સલટન્ટ સોફટવેર, હાર્ડવેર તેમજ કોમ્પ્યુટરને લગતી બાબતના નિષ્ણાત છે. જયારે “વોટર ઈન્ફા.” અંગે તેમને કોઈ જ અનુભવ નથી. તેમ છતાં સમગ્ર કૌભાંડ છુપાવવા માટે તેમની કન્સલટન્ટ તરીકે નિમણૂંક થઈ હતી. જેના કારણે પ્રોજેકટ રીપોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યો ન હતો.
પાણી પ્રેશરની માપણી માટેના મીટર ક્યાં ઈન્સ્ટોલ કરવા ? તેની કોઈ જ માહિતી પ્રોજેકટ કન્સલટન્ટ, કોન્ટ્રાકટર તેમજ તત્કાલીન એડી. ઈજનેર પાસે ઉપલબ્ધ ન હતી જેના કારણે વોર્ડ કક્ષાના ઈજનેર અધિકારીઓના ભરોસે કરોડો રૂપિયાનો પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો હતો.
મ્યુનિ. વોટર ઓપરેસન્સ વિભાગ દ્વારા નિર્મિત અને સ્માર્ટ સીટીના ફંડીગથી શરૂ કરવામાં આવેલા પ્રોજેકટમાં “વોટર ફલો” મીટર ઈન્સ્ટોલ કરવા માટે વોર્ડ કક્ષાના ઈજનેર અધિકારીઓએ જે સ્થળે પ્રેશરની તકલીફ હોય તે સ્થળોની આપેલી યાદી મુજબ અમલ થઈ રહયો છે.
સામાન્ય રીતે આ પ્રકારના પ્રોજેકટ માટે પાણી નેટવર્ક અને કમાન્ડ એરીયાનો અભ્યાસ કરવો જરૂરી બને છે તેમજ નેટવર્કના “અપ” અને “ડાઉન” સ્ટ્રીમને સમજી તેમાં સુધારા-વધારા કર્યા બાદ “ફલો મીટર” ઈન્સ્ટોલ થાય તે આવશ્યક છે.
પરંતુ સદ્ર પ્રોજેકટમાં આ પ્રકારની કોઈ જ કાર્યવાહી થઈ નથી. જેના કારણે કોન્ટ્રાકટર અને કન્સલટન્ટના લાભાર્થે જ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો હોય તેમ સ્પષ્ટ જણાય છે.
મ્યુનિ. વોટર ઓપરેશન્સ વિભાગના તત્કાલીન એડી. ઈજનેર દ્વારા “સ્કાડા”ના કોન્ટ્રાકટરને “ફલો મીટર”નો પૂર્ણ કોન્ટ્રાકટ આપ્યો છે. સદ્ર મીટર ૧૦૦ એમ.એમ.થી ૧પ૦૦ એમ.એમ. ડાયામીટરની લાઈનો પર મીટર ઈન્સ્ટોલ થઈ રહયા છે.
જેમાં ૧૦૦ એમ.એમ.ના ફલોમીટરની કિંમત રૂા.૩.પ૦ લાખ તથા ૧પ૦૦ એમ.એમ.ના મીટરની કિંમત રૂા.૪૩ લાખ છે. સદ્ર પ્રોજેકટ ઉત્તર, પૂર્વ, દક્ષિણ અને મધ્યઝોન પૂરતો જ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં કુલ ૬પપ ફલોમીટર ઈન્સ્ટોલ કરવાના છે જે પૈકી ૪પ૧ મીટર ઈન્સ્ટોલ થયા છે. પરંતુ આ ઈન્સ્ટોલેશન કોઈપણ પ્રકારના અભ્યાસ વિના કે નિષ્ણાતના સુચન વિના જ થયા છે.
વોટર ઓપરેશન વિભાગના આ પ્રોજેકટથી ઝોનલ એડી. ઈજનેરો પણ પુરતા માહિતગાર નથી તેમ છતાં પ્રોજેકટ પૂર્ણ થયા બાદ જવાબદારીમાંથી છટકવા તેના અમલીકરણની જવાબદારી ઝોન કક્ષાએ સોંપવામાં આવશે. ફલોમીટર માટે જે તે ઝોનની ઓફીસે ડેટા રૂમ તૈયાર કરવામાં આવશે તથા ઓફીસમાંથી જ વોટર પ્રેશર, લોકાર્પણ વગેરેની માહિતી લેવામાં આવશે તેવા દાવા થઈ રહયા છે.
આ પ્રોજેકટ અંતર્ગત મધ્યઝોનમાં ર૩૭, ઉત્તર ઝોનમાં પ૧, દક્ષિણમાં ૧૬૬ તથા પૂર્વમાં ર૦ મીટર ઈન્સ્ટોલ થયા છે જેની સામે માત્ર રપ૦ મીટર માટે ઈલેકટ્રીક કનેકશન મળ્યા છે. અત્રે નોંધનીય છે કે વોટર સ્કાડા સીસ્ટમ પણ લગભગ નિષ્ફળ સાબિત થઈ છે તેમાં પણ વોટર ઓડીટના દાવા થતા હતા તેમ છતાં વાર્ષિક રૂા.૧૦૦ કરોડના પાણીનો બગાડ થઈ રહયો છે. આ સમગ્ર કૌભાંડને છુપાવવા માટે હાલ પુરતી તેની ફાઈલ જ ગાયબ કરી દેવામાં આવી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.
ઉત્તર ઝોન
૧. ઠક્કરબાપાનગર- ગોપાલ ચોક-૧પ૦ મીમી
ર. સરસપુર – ગોદાણી ચોક- પ૦૦ મીમી
૩. સરસપુર- સોનારીયા બ્લોક સર્કલ- ર૦૦ મીમી
૪. સરસપુર- કેમીકલ ફેકટરી-૩૦૦ મીમી
પ. ઠક્કરબાપાનગર- અમરદીપ પાર્ક-ર૦૦ મીમી
પૂર્વ ઝોન
૧. અમરાઈવાડી- એ કે તવા સ્ટોલ-૪૦૦ મીમી
ર. ભાઈપુરા- ધીરજ હાઉસીંગ- ૪૦૦ મીમી
૩. રામોલ- રામોલ સ્કુલ- ર૦૦ મીમી
૪. ગોમતીપુર- ડબા બજાર-૩૦૦ મીમી
પ. ગોમતીપુર- પુજારીની ચાલી-પ૦૦ મીમી
દક્ષિણ ઝોન
૧. ઈસનપુર- મોતીબાગ હનુમાન-૪૦૦ મીમી
ર. ખોખરા- ગુજરાત હાઉસીંગ બોર્ડ-૩૦૦ મીમી
૩. ઈન્દ્રપુરી- રામ રાજય નગર નજીક-ર૦૦ મીમી
૪. દાણીલીમડા- ભારત સેકન્ડરી સ્કુલ પાસે-૪પ૦ મીમી
પ. બહેરામપુરા- પીન્કો ડાઈંગ પાસે- ૬૦૦ મીમી
મધ્ય ઝોન
૧. ખાડીયા- ઢાળની પોળ તરફ-૩૦૦ મીમી
ર. દુધેશ્વર- તેરા પંથ સર્કલ-૩૦૦ મીમી
૩. શાહીબાગ- ગેવર સર્કલ પાસે-૩૦૦ મીમી
૪. દુધેશ્વર – દુધેશ્વર કેમ્પસ- ૭૦૦ મીમી
પ. જમાલપુર- જમાલપુર પગથિયા-૪૦૦ મીમી