“હપ્પુ કી ઉલટન પલટન”ના હપ્પુ સિંહ બન્યો હપ્પી જાન!
એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટને હાસ્યસભર અને મનોરંજક વાર્તા સાથે દર્શકોનું સતત મનોરંજન કર્યું છે. દરેક વખતે આપણે અદભુત સ્થિતિઓમાં પોતાને મૂકી દેતાં પાત્રો જોઈએ ત્યારે પેટ પકડીને હસીએ છીએ. તો હવે હાસ્યને તેની શ્રેષ્ઠતા સાથે અનુભવવા માટે તૈયાર થઈ જાઓ,
કારણ કે યોગેશ ત્રિપાઠી (દરોગા હપ્પુ સિંહ) મનોરંજક ગણિકા, સૌનાં દિલોની જાન, હપ્પી જાન તરીકે જોવા મળશે! તો જેકે નામે ગેન્ગસ્ટરની ધરપકડ કરવા માટે દરોગા હપ્પુ સિંહ પોતાને સુંદર અને મોહિત કરનારી ગણિકાનો સ્વાંગ ધારણ કરે છે, જિસકે એક અદા પર હોગા પુરા મહોલ્લા ન્યોછાવર!
આ મોજીલા પરિવર્તન વિશે વિગત આપતાં યોગેશ ત્રિપાઠી ઉર્ફે દરોગા હપ્પુ સિંહ ઉર્ફે હપ્પી જાન કહે છે, “મને દરોગા હપ્પુ સિંહના પાત્ર માટે ભરપૂર પ્રેમ અને સરાહના મળ્યા છે. અમે હંમેશાં હાસ્યસભર વાર્તા અને દર્શકો પેટ પકડીને હસે તેવી ભૂમિકાઓ સાથે મનોરંજન કરવા માટે પ્રયત્નશીલ છીએ.
મેં આ સ્ક્રિપ્ટ વાંચી ત્યારે મારો સૌપ્રથમ વિચાર એ હતો કે હવે હું સ્ત્રીની મનોહરતા ભજવીશ? પુરુષ કલાકાર માટે સ્ત્રીની ભૂમિકા ભજવવાનું ક્યારેય આસાન હોતું નથી. તેમાં વોઈસ મોડ્યુલેશનથી મેકઅપ, કોશ્ચ્યુમ, હાવભાવ અને વર્તન સુધી ઘણી બધી તૈયારી કરવી પડે છે.
નિઃશંક રીતે આ પ્રક્રિયા બહુ જ લાંબી હોય છે, જેમાં આઉટફિટ, મેકઅપ અને ડાયલોગ્સમાં કલાકોની રિહર્સલો કરવી પડે છે. મને આ પાત્રમાં ઘૂસવામાં ત્રણ કલાકથી વધુ સમય લાગ્યો. તે મનોહરતા અને નજાકતને યોગ્ય બનાવવા બધું જ પરફેક્ટ હોય તે જરૂરી છે.
હપ્પી જાનની સ્ક્રિપ્ટ મને વાંચી સંભળાવવામાં આવી ત્યાર હું ભારે રોમાંચિત થયો, પરંતુ લૂકને કારણે નર્વસ પણ તેટલો જ થયો. તેમાં સ્ત્રૈણ દેખાવ જરૂરી હોય છે. હું આ પરિવર્તનથી ચકિત થઈ ગયો અને સુંદર સ્ત્રી તરીકે હું આસાનીથી પાસ થઈ શકું છું એવો વિચાર આવ્યો (હસે છે).
હિમાનીજીએ પણ સૌપ્રથમ મને જોઈ ત્યારે ચકિત થઈ ગયાં હતાં. કામના પણ આશ્ચર્યમાં મુકાઈ ગઈ. મને ખાતરી છે કે અમારા દર્શકો પણ આશ્ચર્યમાં મુકાશે અને હું હપ્પુ સિંહ હપ્પી જાનમાં ફેરવાઈ જવા વિશે પ્રતિક્રિયા જોવા માટે ભારે ઉત્સુક છું!”
“હું બોલીવૂડનો મોટો ચાહક છું. હું મીના કુમારી, માધુરી દીક્ષિત અને રેખાજીને જોઈને મોટો થયો છું. તેમની પડદા પરની ગણિકાની ભૂમિકાઓ પ્રતિકાત્મક, મોહિત કરનારી અને યાદગાર રહી છે. મેં તેમના પાત્રો પરથી પ્રેરણા લીધી અને હપ્પીજાન તરીકે ભૂમિકાને ન્યાય આપવા માટે તેમનાં ઘણાં બધાં ગીતો અને સીન્સ પણ જોઈ કાઢ્યાં,” એમ યોગેશ કહે છે.