ગામને ૨૪ કલાક પાણી મળ્યું પણ જળ બચાવવા ગ્રામજનોએ વિતરણનો સમય નક્કી કર્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/05/bhekhda-1024x682.jpeg)
જલ જીવન મિશન અંતર્ગત ૨૪ કલાક પાણીની સુવિધા મેળવનાર શીનોર તાલુકાના ભેખડા ગામમાં પાણીનો બગાડ વધુ થતાં જરૂરિયાત મુજબ જ પાણી વિતરણનો સ્તુત્ય નિર્ણય
આલેખન – દર્શન ત્રિવેદી
વડોદરા, (વિ. સં. ૨૦૭૮ ચૈત્ર વદ ૧૨) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલા જલજીવન મિશન અંતર્ગત વડોદરા જિલ્લાના તમામ ઘરોમાં નળ જોડાણ આપી દેવામાં આવ્યા છે. આ યોજનાને સાકાર કરવામાં વડોદરા જિલ્લો સમગ્ર રાજ્યમાં છઠ્ઠો જિલ્લો બન્યો છે.
જિલ્લામાં કેટલાક ગામોમાં તો ૨૪ કલાક પાણીની સુવિધા મળી રહી છે. તે પૈકીનું એક છે શીનોર તાલુકાનું ભેખડા ગામ. આ ગામમાં ૨૪ કલાક પાણીની સુવિધા આપવામાં તો આવી પણ હવે આ ગામ એક ડગલું આગળ ચાલ્યું. ગ્રામજનોનું આ કદમ અન્ય લોકો માટે પ્રેરણારૂપ છે.
ગામની પાણીની સમિતિના સભ્ય શ્રી હિતેશભાઇ પટેલ કહે છે, અમારા ગામમાં વાસ્મોની યોજના અંતર્ગત ૨૦ ટકા લોકભાગીદારીમાં થોડા વર્ષ પહેલા પાણીનો ઉંચો ટાંકો બનાવવામાં આવ્યો છે. ગામને ૨૪ કલાક પાણી મળી રહે તે માટે નવા બોરમાંથી પાણી આપવામાં આવે છે. જલ જીવન મિશન અંતર્ગત ગામના તમામ ૧૭૦ જેટલા ઘરોમાં નળ જોડાણ આપવામાં આવ્યા છે. ગામને ત્રણ ઝોનમાં વિભાજિત કરી જે તે વિસ્તારની અનુકૂળતા મુજબ પાણી વિતરણ કરવામાં આવે છે.
હવે પછીની વાત રસપ્રદ છે. ૨૪ કલાક પાણી વિતરણ શરૂ કરવામાં આવતા ગામમાં લોકો આનંદિત થઇ ગયા. પણ, પાણી તો અમૂલ્ય કુદરતી સંપત્તિ છે અને તેને વિવેકપૂર્ણ વાપરવું જોઇએ, એ વાત સમજમાં ન આવી હોઇ એવો ઘાટ થયો. ગામની પાણી સમિતિના ધ્યાને આ વાત આવી. એટલે તેમણે પાણી કરકસરપૂર્વક વાપરવાની વાત સમજાવી. આમ છતાં કોઇ પરિવર્તન ના આવતા પાણી વિતરણનો સમય નિયત કરી નાખવામાં આવ્યો.
શ્રી હિતેશભાઇ પટેલ કહે છે, ગામમાં હવે સવાર અને સાંજ એમ બે સમય એક એક કલાક પાણી આપવામાં આવે છે. જેથી લોકોને પાણી જેટલું જોઇએ એટલું મળી રહે છે અને તેનો બગાડ કરવાનો અવકાશ રહેતો નથી.
ગામમાં પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની સમજ આપવાની સાથે ૨૪ કલાક પાણી આપવા પાછળ થતાં વીજળીનો ખર્ચ પણ ઓછો કરી શકાયો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી પણ પાણીના બચાવવા માટે વિનંતી છે, અમે તેને પ્રતિસાદ આપ્યો છે.
તે કહે છે, અમારા ગામની પાણી સમિતિ દ્વારા પાણી વેરાની વસુલાત પણ સારી રીતે થાય છે. ગ્રામપંચાયત દ્વારા રૂ. ૩૦૦ પ્રતિ વર્ષનો નજીવો પાણી વેરો લગાવવામાં આવ્યો છે. આ વેરાની ૮૦ ટકાથી પણ વધુ વસૂલાત થાય છે.
ભેખડાને આદર્શ ગામ કહી શકીએ એવું છે. ગામમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. ગામના આંતરિક રસ્તાઓ આરસીસીના બનેલા છે. હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પણ બનાવવામાં આવ્યું છે. આ સેન્ટર કોરોનાકાળમાં ગ્રામજનો માટે આશીર્વાદરૂપ સાબીત થયું હતું. ગામમાં ઓપ્ટિક ફાયબરથી ઇન્ટરનેટ પણ આવી ગયું છે. ગામના ઘણા ઘરોમાં વાઇફાઇ કાર્યરત થઇ ગયા છે.