કલેક્ટરના નેતૃત્વમાં DLCCઅને DLRCની બેઠક યોજાઈ

બન્ને સમિતિના સભ્યો, જિલ્લાના હોદ્દેદારો અને બેન્કના અધિકારીઓની હાજરીમાં કિસાન ક્રેડિટ કાર્ડ, પશુપાલન અને માછીમારી સંબંધિત ઝુંબેશો તથા સરકારની યોજનાઓ ઉપરાંત આઝાદી કા અમૃત મહોત્સવના કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી
અમદાવાદ જિલ્લા કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ મેજેસ્ટ્રેટ શ્રી સંદીપ સાગલેના નેતૃત્વમાં કલેક્ટર કચેરી ખાતે 26મી મે, 2022ના રોજ ડિસ્ટ્રિક્ટ લેવલ કન્સલ્ટેટિવ કમિટી (DLCC) તથા ડિસ્ટ્રિકટ લેવલ રિવ્યૂ કમિટી (DLRC)ની બેઠક યોજાઈ. આ બેઠકમાં કિસાન ક્રેડિટ કાર્ડ તથા એનિમલ હસબન્ડ્રી એન્ડ ફિશરીઝને લગતી ચાલી રહેલી ઝુંબેશની સમીક્ષા કરવામાં આવી.
તારીખ 6 જૂન તથા 8 જૂનના રોજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાનારા કાર્યક્રમની રૂપરેખા નક્કી કરવામાં આવી તથા બેન્કિંગ સંબંધિત સરકારી યોજનાઓની કામગીરી અંગે તથા ભાવિ રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી.
આ બેઠકમાં સૂચિત સોસાયટી સંબંધિત મુદ્દોઓ પણ ચર્ચવામાં આવ્યો તો જનસુરક્ષા યોજના અંગે પણ વિચારવિમર્શ કરવામાં આવ્યો. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના તથા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં તથા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં નિર્ણય લેવામાં જ્યાં કોઈ મુશ્કેલી આવી રહી હોય,
એવા મુદ્દાઓની વિગતે ચર્ચા કરવામાં આવી. આધાર એનરોલમેન્ટ સેન્ટર (AEC) પર શું કરવું અને શું ન કરવું જોઈએ, તે અંગે યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયાના અધિકારીઓએ વિગતે સમજાવ્યું હતું.
નિર્ધારિત લક્ષ્યાંકોના સંદર્ભે કામગીરીની સમીક્ષા કરવાની સાથે સાથે બેન્કિંગ સંબંધિત માપદંડો તથા કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી.
કલેક્ટરશ્રીના નેતૃત્વમાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી, યુડીઆઈના રાજ્યના અધિકારીશ્રીઓ, આરબીઆઈના ઉચ્ચ અધિકારીશ્રી, રુરલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટરશ્રી, નાબાર્ડના અધિકારીશ્રી, યુસીડી તથા ડીઆરડીએના પ્રોજેક્ટ ઓફિસર્સ સહિતના જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તથા વિવિધ બેન્કના અધિકારીઓ અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા. બેઠકનું સુચારુ સંચાલન એસબીઆઈના લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજરશ્રી રાજેશ ઝવેરી દ્વારા કરવામાં આવ્યું.