કેદારનાથની ઊંડી ખીણમાં પડ્યો ગુજરાતનો યુવક
વલસાડ, ચારધામ યાત્રાએ ગયેલા ગુજરાતી યુવકનું કેદારનાથની ઊંડી ખીણમાં પડવાથી મોત નિપજ્યુ છે. વલસાડના પારડી તાલુકાનો યુવક કેદારનાથ જતા માર્ગે ઊંડી ખીણમાં ગરકાવ થયો હતો. યુવક ભકતોના ગ્રૂપ સાથે ચારધામ યાત્રાએ ગયો હતો. ત્યાં જ તેની અંતિમક્રિયા કરવાની ફરજ પડી હતી.
પારડીના કલસર ગામના ૪૦ ભક્તોનું ગ્રૂપ થોડા દિવસ પહેલા ચારધામની યાત્રાએ ગયુ હતુ. જેમાં કલસર ગામના સડક ફળિયામાં રહેતા ધનિશ ભીકુભાઈ પટેલ (ઉંમર ૩૨ વર્ષ) પણ આ ગ્રૂપ સાથે ચારધામ જાત્રાએ ગયો હતો. સૌપ્રથમ તેઓ હરિદ્વાર પહોંચ્યા હતા.
જ્યાં ધનિશ પટેલ પડ્યો હતો, અને તેના માથામાં ઈજા પહોંચી હતી. જાેકે, ઈજા સામાન્ય હોવાથી તે ગ્રૂપ સાથે પ્રવાસમાં આગળ વધ્યો હતો. તેના બાદ તેઓ કેદારનાથ પહોંચ્યા હતા. જ્યાં રામપુર ખાતેની એક હોટલમાં રોકાણ કર્યુ હતું.
રામપુરમાં વહેલી સવારે ધનિશ કામથી હોટલ બહાર નીકળ્યો હતો, જ્યાં તે નજીકની એક ખીણમાં પડી ગયો હતો. સ્થાનિક લોકોએ આ બાબતની જાણ તેના ગ્રૂપ અને પોલીસને કરી હતી. જેથી તાત્કાલિક ધનિશને શોધવા રેસક્યૂ ઓપરેશન ચલાવાયુ હતુ. જેના બાદ ધનિશનો મૃતદેહ પહાડીમાઁથી મળી આવ્યો હતો.
ભક્તોના ગ્રૂપ દ્વારા આ વિશે કલસરમાં રહેતા તેના પરિવારજનો જાણ કરવામાં આવી હતી. આ જાણીને તેના પરિવારમાં શોકનો માહોલ ફેરવાઈ ગયો છે. સાથે જ ભક્તોના ગ્રૂપમાં પણ ગમગીની છવાઈ ગઈ હતી. જાેકે, મૃતક ધનિશની કેદારનાથમાં જ અંતિમ ક્રિયા કરવામાં આવી હતી.
ચારધામ યાત્રામાં આ વર્ષે અત્યાર સુધી ૪૪ શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા છે. જેમાં સૌથી વધુ કેદારનાથ ધામમાં થયા છે. કારણ કે, ચાર ધામમાં સૌથી કઠિન યાત્રા કેદારનાથની છે, અહી પહોંચવા માટે ગૌરીકુંડથી ૧૮ કિમીનુ ચઢાણ કરીને પહોંચવુ પડે છે.
શ્રદ્ધાને કારણે મોટાભાગના શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરવાનુ પસંદ કરે છે. જેને કારણે રસ્તામાં તેમની તબિયત લથડી છે. પહાડી ચઢવાનો અનુભવ ન હોવાને કારણે તેઓને અનેક તકલીફો થાય છે. કેદારનાથ યાત્રા માર્ગથી લઈને ધામ સુધીમાં ઓક્સિજનના અભાવને કારણે મુસાફરોના મોત થાય છે.ss3kp