Western Times News

Gujarati News

વડોદરામાં ડમ્પરના ટાયરમાં ૩ સ્ટુડન્ટ એક્ટિવા સાથે ફસાયા, ૧ નું મોત

વડોદરા,વડોદરાના વાઘોડિયા પાસે એક્ટિવા સવાર બે વિદ્યાર્થિની અને એક વિદ્યાર્થીને પૂરપાટ જઇ રહેલા ડમ્પરે અડફેટે લીધા હતા, ત્રણેય સ્ટુડન્ટ ડમ્પરના પાછળના ટાયરમાં એક્ટિવા સાથે ફસાઇ ગયા હતા. આ અકસ્માતમાં એક વિદ્યાર્થિનીનું સ્થળ પર કમકમાટીભર્યું મોત નીપજયું હતું. જ્યારે એક્ટિવા ચાલક સહિત બે સ્ટુડન્ટને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.

આજથી પરીક્ષા શરૂ થતી હોવાથી ત્રણેય સ્ટુડન્ટ પરીક્ષા આપવા માટે સવારે નિકળ્યા હતા. આ બનાવ અંગે વાઘોડિયા પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.વાઘોડિયા પોલીસ સ્ટેશનમાંથી મળેલી માહિતી પ્રમાણે વલસાડ પવનપુત્ર બંગલોની મૂળ રહેવાસી ઈશા નરેન્દ્રભાઈ રાણા વડોદરાની ખાનગી કોલજમાં એરોનોટિકલ ડિપ્લોમામાં ફર્સ્‌ટ સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે.

આજે સવારે ઇશા અને તેની સાથે અભ્યાસ કરતો મિત્ર વાજીદઅલી હૈદરઅલી શેખ અને ખુશી અમરીશસિહ વિહોલ આજથી શરૂ થયેલી પરીક્ષા આપવા માટે કોલેજમાં એક્ટિવા પર જવા માટે નિકળ્યા હતા. દરમિયાન અલવા ગામ તરફથી પુરપાટ આવી રહેલા ડમ્પરે એક્ટિવા સવાર વિદ્યાર્થીઓને અડફેટે લીધા હતા. ડમ્પરે અડફેટે લેતાં એક્ટિવા સવાર ત્રણેય ડમ્પરના પાછળના વ્હીલમાં બંને વિદ્યાર્થીનીઓ ફસાઈ ગઇ હતી અને એક્ટિવા ચાલક વિદ્યાર્થીનો પગ પણ વ્હીલમાં ગયો હતો.

આ ગમખ્વાર અકસ્માતમાં એક્ટિવા પર વચ્ચે બેઠેલી ઈશા રાણાનું સ્થળ ઉપર કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે વાજિદઅલી અને ખુશીને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. આ બનાવ બનતાની સાથે સ્થાનિકો તેમજ કોલેજના વિદ્યાર્થીઓના ટોળા એકત્ર થઇ ગયા હતા અને ત્રણેયને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.

બીજી બાજુ પરિવારજનોને આ બનાવની જાણ થતાં તેઓ પણ વાઘોડિયા ખાતે દોડી ગયા હતા. આ સાથે વાઘોડિયા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ડમ્પર ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

અકસ્માતમાં મોતને ભેટેલી ઇશા રાણા અને તેની બહેન પાયલ વડોદરાના વાઘોડિયા રોડ ઉમા ચાર રસ્તા પાસે પેઇન ગેસ્ટ તરીકે રહે છે અને બંને એક કોલેજમાં અભ્યાસ કરે છે. આજે પાયલને કોલેજમા રજા હોવાથી તે કોલેજ ગઇ ન હતી. પરંતુ, આજથી ઇશાની પરીક્ષા શરૂ થતી હોવાથી તે તેની સાથે અભ્યાસ કરતા ફ્રેન્ડ સાથે પરીક્ષા આપવા ગઇ હતી.HS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.