ઈન્ટરનેટના કારણે ગ્રીટિંગ કાર્ડના વેચાણમાં ૪૦ ટકાથી વધુનો ઘટાડો થયો
અમદાવાદ, ગુજરાત સહિત દેશભરમાં મોબાઈલ ટેલિફોનની ક્રાંતિના પરિણામ સ્વરૂપે ગ્રિટિંગ કાર્ડ ઈન્ડસ્ટ્રીને મરણતોલ ફટકો પડી ગયો છે. છેલ્લા પાંચ વર્ષના ગાળામાં ગ્રિટિંગ કાર્ડના વેચાણમાં ૪૦ ટકાથી વધુનો ઘટાડો થયો છે. વેપારીઓએ આ મુજબની વાત કરી છે. થોડાક વર્ષો પહેલાં સુધી દિવાળી દરમ્યાન અને દિવાળી પહેલાં ગ્રિટિંગ કાર્ડના વેચાણમાં અનેકગણો વધારો થઈ જતો હતો. પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. ગ્રિટિંગ કાર્ડ ખરીદતા લોકોનું કહેવું છે કે રૂપિયા ૪૦ થી ૧૭૫ વચ્ચે ગ્રિટિંગની ખરીદી હવે એસએમએસ મોકલવા કરતા ખૂબ જ ખર્ચાળ છે. બીજી ઘણી રાહતો પણ છે કારણ કે એસએમએસ તરત જ મોકલી શકાય છે.
જ્યારે ગ્રિટિંગ કાર્ડ મળવામાં કલાકોનો ગાળો લાગે છે. એસએમએસ યુવા પેઢી માટે કોમ્યુનિકેશનના સૌથી લોકપ્રિય સાધન તરીકે છે. મોબાઈલ સર્વિસ ઉફલબ્ધ કરાવતી કંપનીઓ દ્વારા ટેરિફમાં ઘટાડો કરવામાં આવતા આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. સસ્તાં કોલના પરિણામ સ્વરૂપે લોકો કાર્ડ મોકલવાના બદલે ફોન પર વાત કરવાનું વધુ પસંદ કરે છે. મોટાભાગના વેપારીઓએ આ પ્રકારનો મત વ્યક્ત કર્યો છે. તમામ બ્રાન્ડના ગ્રિટિંગ કાર્ડ વેચનાર અન્ય વેપારીઓનું કહેવું છે કે કાર્ડનું વેચાણ ચોક્કસપણે ઘટી ગયું છે પરંતુ વેલેન્ટાઈન ડે પહેલાં વેચાતા કાર્ડથી અંદાજ લગાવી શકાય છે કે કાર્ડ ખરીદનાર હજુ પણ ચાહકવર્ગ છે. ગ્રિટિંગ કાર્ડ વધારે મોકલનાર અન્ય એક વ્યક્તિનું કહેવું છે કે એસએમએસ અને ઈકાર્ડ તરત જ જતા રહે છે જ્યારે ગ્રિટિંગ કાર્ડ લાંબા સમય પછી પહોંચે છે આધુનિક સમયમાં મોબાઈલ ક્રાંતિ ગ્રિટિંગ કાર્ડ ઉદ્યોગ સામે મુશ્કેલી ઉભી કરવામાં સૌથી અડચણરૂપ છે.