નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા-રાહુલ ગાંધીને ઈડીના સમન્સ
રાહુલ-સોનિયા ગાંધી પાસે આ કંપનીનો ૭૬ ટકા હિસ્સો છે જયારે બાકીના ૨૪ ટકા શેર મોતીલાલ વોરા પાસે છે
નવી દિલ્હી, દેશમાં કાળી કમાઈથી પોતાની વ્યક્તિગત મિલકત ઉભી કરવાની કે હવાલા થકી નાણાની હેરફેર માટે તપાસ ચલાવતી સંસ્થા એન્ફોર્સમેન્ટ ડીરેક્ટોરેટે કોન્ગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીને નિવેદન આપવા માટે સમન્સ પાઠવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. એક અહેવાલ અનુસાર નેશનલ હેરાલ્ડ કેસમાં બન્ને નેતાઓને આ સમન્સ પાઠવવામાં આવ્યું છે.
એક સમયે ઇન્દિરા ગાંધી અને પછી પી.વી નરસિમ્હા રાવ સરકારમાં કોંગ્રેસના મંત્રી રહી ચુકેલા અને હવે ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારે નાણાકીય ગેરરીતિ આચરી અંગત લાભ ઉઠાવ્યો હોવાની ફરિયાદ કરી છે અને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં કેસ પણ દાખલ કર્યો છે.
નેશનલ હેરાલ્ડ નામના અખબારની સ્થાપના પંડિત જવાહરલાલ નેહરૂ અને અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓએ વર્ષ ૧૯૩૮માં કરી હતી. આ અખબારનું પ્રકાશન એસોસિએટેડ જર્નલ્સ લીમીટેડ દ્વારા કરવામાં આવતું હતું અને આઝાદી પછી તે કોંગ્રેસનું મુખપત્ર હતું.
રાહુલ ગાંધીએ યંગ ઇન્ડિયા લીમીટેડ નામની કંપનીની સ્થાપના કોંગ્રેસના જનરલ સેક્રેટરી પદે હતા ત્યારે વર્ષ ૨૦૧૦માં કરી હતી. રાહુલ અને સોનિયા ગાંધી પાસે આ કંપનીનો ૭૬ ટકા હિસ્સો છે જયારે બાકીના ૨૪ ટકા શેર મોતીલાલ વોરા પાસે છે.
સુબ્રમણ્યમ સ્વામીની ફરિયાદ અનુસાર યંગ ઇન્ડિયાએ નેશનલ હેરાલ્ડની રૂ. ૨,૦૦૦ કરોડના મૂલ્યની સંપત્તિ ખરીદી લીધી હતી. આટલી સંપત્તિ ખરીદવા માટે નેશનલ હેરાલ્ડને માત્ર રૂ. ૫૦ લાખ ચુકવવામાં આવ્યા હતા. કોંગ્રેસ પાર્ટીએ અગાઉ એસોસિએટેડ જર્નલ્સને આપેલી અખબાર ચલવવા માટેની રૂ. ૯૦.૨૫ કરોડની લોન પણ પરત મેળવવાની આ સોદામાં જાેગવાઈ છે.
સ્વામીની અરજી ઉપરથી એન્ફોર્સમેન્ટ ડીરેક્ટોરેટે વર્ષ ૨૦૧૪માં તપાસ શરૂ કરી હતી અને વર્ષ ૨૦૧૫માં એક કેસ નોંધવામાં આવ્યો છે. સ્વામીએ પોતાની ફરિયાદમાં આરોપી તરીકે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, મોતીલાલ વોરા, ઓસ્કાર ફર્નાન્ડીસ, પત્રકાર સુમન દુબે અને ટેક્નોક્રેટ સેમ પિત્રોડાના નામ આપ્યા છે.ss2kp