રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વિરમગામ ખાતે વર્કશોપ યોજાયો
વિરમગામ, (તસવીરઃ– વંદના નીલકંઠ વાસુકિયા) રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ તથા અર્બન હેલ્થ સેન્ટર વિરમગામના સંયુક્ત ઉપક્રમે વિરમગામ ખાતે અર્બન વિસ્તારના આરોગ્ય કર્મચારીઓ, આશા બહેનો તથા આંગણવાડી કાર્યકર બહેનો માટે ઓરીએન્ટેશન તાલીમ વર્કશોપ રાખવામાં આવ્યો હતો. આ વર્કશોપમાં ઉપસ્થિત લોકોએ તમાકુ વ્યસન મુક્તિ પ્રતિજ્ઞા લીધી હતી અને અર્બન હેલ્થ ઓફિસર ડો.જીગર દૈવિક દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. અત્રે ઉલ્લેખનિય છે કે, વિશ્વમાં દર વર્ષે તમાકુના કારણે ૮૦ લાખ લોકાના મૃત્યુ થાય છે અને પરોક્ષ ધુમ્રપાનથી વિશ્વમાં દર વર્ષે ૧૦ લાખ લોકો મૃત્યુને ભેટે છે. વિશ્વમાં દર છ સેકન્ડે ૧ વ્યક્તિનું તમાકુના સેવનના કારણે મૃત્યુ થાય છે.
વિશ્વમાં દર મીનીટે ૧૦ વ્યક્તિનું તમાકુના સેવનના કારણે મૃત્યુ પામે છે. પ્રત્યેક સિગારેટ એક વ્યક્તિના ૧૧ મિનિટ જેટલા જીવનનો ઘટાડો કરે છે. આશરે ૧૮ ટકા હાયરફિલ્ડના વિદ્યાર્થીઓ સિગારેટ અને તમાકુનું સેવન કરે છે. દસમાંથી નવ ફેફસાના કેન્સર માટે તમાકુ જવાબદાર હોય છે. તમાકુનું સિગારેટ,બીડી,ગુટખા અને હુક્કા જેવા ઘણા બધા સ્વરૂપોમાં સેવન કરવામાં આવે છે.તમાકુમાં નિકોટીન નામનો એક અત્યંત નશાવાળો પદાર્થ હોય છે. નિકોટીન થોડા સમય માટે ખુબ આનંદ આપે છે પરંતુ લાંબા સમયે તે હદય,ફેફસાં, પેટ અને જ્ઞાનતંતુઓ પર વિપરીત અસર કરે છે.
વ્યક્તિને શારીરિક અને ભાવનાત્મક રૂપે નિકોટીન નું વ્યસન થઇ જાય છે અને તેના કારણે ઘણી બધી સ્વાસ્થ્યની ગંભીર અસર ઘેરી વળે છે. તમાંકુના સેવનથી ઉધરસ સાથે ગળામાં બળતરાની શરૂઆત થવી, શ્વાસમાંથી ગંધ આવવી અને કપડાંમાંથી ગંધ આવવી, ચામડી કરચલીવાળી થવી, કેન્સર, દાંતો પીળાં થઈ જવા, ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ જેમ કે હદયની બિમારી, શ્વાસનળીમાં સોજો આવવો, ન્યુમોનિયા, આંચકા આવવાં જેવી તમાકુની ખરાબ અસરો થઇ શકે છે.