યૂક્રેન પર હુમલા બંધ કરવા પુતીનને પેલે દ્વારા અપીલ

બ્રાઝિલિયા, બ્રાઝીલના મહાન ફૂટબોલ ખેલાડી પેલેએ વ્લાદિમીર પુતિનને યુક્રેન પર રશિયન હુમલા બંધ કરવાની વિનંતી કરી છે. કેન્સરની સારવાર લઈ રહેલા ૮૧ વર્ષીય પેલેએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના નામે પોતાનો આ સંદેશ એ જ દિવસે પ્રકાશિત કર્યો હતો જ્યારે વર્લ્ડ કપ ક્વોલિફાઈંગ મેચમાં યુક્રેને સ્કોટલેન્ડને ૩-૧થી હરાવ્યું હતું. હવે યુક્રેનનો સામનો રવિવારે વેલ્સ સાથે થશે.
પેલેએ સોશિયલ મીડિયાના ઈન્સ્ટાગ્રામ પર કહ્યું કે, આજે યુક્રેને ઓછામાં ઓછી ૯૦ મિનિટ માટે દેશની હાલની સ્થિતિને ભૂલવાનો પ્રયત્ન કર્યો હતો. વર્લ્ડ કપમાં સ્થાન મેળવવું હંમેશા મુશ્કેલ હોય છે લગભગ અશક્ય છે કારણ કે, ત્યાં ઘણી બધી જિંદગીઓ દાવ પર લાગેલી હોય છે. આ હિંસાને બંધ કરો. આ હિંસાને ક્યારેય યોગ્ય ન ઠેરવી શકાય. તેમણે પુતિનને સંબોધીને કહ્યું કે, જ્યારે આપણે છેલ્લે મળ્યા હતા ત્યારે હાથ મિલાવ્યા હતા અને હસ્યા હતા.
મેં ક્યારેય વિચાર્યું ન હતું કે, આ પ્રકારે આપણી વચ્ચે મતભેદ થશે જેવા આજે છે. પેલેએ કહ્યું કે, આ લડાઈને રોકવી તમારા હાથમાં છે. તે એ જ હાથમાં છે જે મેં ૨૦૧૭માં મોસ્કોમાં આપણી છેલ્લી મુલાકાત વખતે પોતાના હાથ સાથે મિલાવ્યા હતા. યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર હ્યુમન રાઈટ્સ પ્રમાણે યુક્રેનમાં ચાલું યુદ્ધમાં ૪૦૦૦થી વધુ નાગરિકો માર્યા ગયા છે અને લગભગ ૫૦૦૦ લોકો ઘાયલ થયા છે. રશિયા અને યુક્રેનનું યુદ્ધ ૩ મહિનાથી ચાલી રહ્યું છે.
આગામી દિવસોમાં આ યુદ્ધનું કોઈ પરિણામ નજર નથી આવી રહ્યું. રશિયન સૈનિકો દક્ષિણ અને પૂર્વ યુક્રેનમાં હુમલા કરી રહ્યા છે. પુતિનનો દાવો છે કે, મારિયુપોલ હવે તેમના કબ્જામાં છે.SS2KP