પરિવારના મોભીની જાહેરમાં હત્યા કરી દેતા પરિવારમાં માતમ છવાયો
અમદાવાદ, ઓઢવમાં માનસિક અસ્થિર યુવકે ૫૫ વર્ષના આધેડનું ગળું દબાવીને હત્યા કરી નાખી છે. જાહેર રોડ પર હત્યા કરતા લોકોએ આરોપીને જાહેરમાં બાંધીને માર માર્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ શરૂ કરી છે.ઓઢવમાં એક માનસિક અસ્થિર યુવક હત્યારો બન્યો. એક પરિવારના મોભીની જાહેરમાં હત્યા કરી દેતા પરિવારમાં માતમ છવાયો છે.
ઘટના એવી છે કે વિરાટનગરમાં રહેતા ૫૫ વર્ષના પ્રતાપભાઈ માવડકોલી ઘરનું લાઈટ બિલ ભરવા સાઇકલ પર જઈ રહ્યા હતા. ત્યારે આ માનસિક અસ્થિર યુવક રોડ પર આંટા ફેરા મારી રહ્યો હતો. પ્રતાપભાઈની સાઇકલ આગળ આરોપી આવીને રસ્તો રોકી ઉભો રહ્યો. જેથી પ્રતાપભાઈ ઠપકો આપતા બંને વચ્ચે ઝપાઝપી શરૂ થઈ ગઈ.
ઝપાઝપી એટલી હદે વધી ગઈ કે આરોપીએ પ્રતાપભાઈને નીચે જમીન પર પાડીને તેમની ઉપર બેસીને ગળું દબાવી દીધું અને માથાના ભાગે પથ્થરથી હુમલો કરી દીધો. લોકો કોઈ બચાવવા આવે તો પથ્થરથી હુમલો કરવા લાગ્યો. ત્યારે લોકોના ટોળાએ આરોપીને પકડીને બાંધીને માર માર્યો. આ ઘટનાથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આરોપી માનસિક અસ્થિર હોવાથી ઉશ્કેરાઈને હત્યા કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે.
આ આરોપીને લોકોએ બાંધીને ખુબ જ માર મારતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.આરોપીને હાલ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આરોપીને જાહેરમાં માર મારતો વિડિઓ વાયરલ થતા પોલીસ લોકોના ટોળા વિરુદ્ધ પણ ગુનો નોંધશે. આરોપી છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં રખડતો હતો.જેથી પોલીસે તેના પરિવારની શોધખોળ શરૂ કરી છે.
હાલમાં ઓઢવ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી વધુ તપાસ શરૂ કરી. માનસિક અસ્થિર યુવક હત્યારો બની જતા પોલીસ પણ કાયદાકીય આંટીઘૂંટીમાં મુંઝાય છે. ત્યારે આ યુવકને પકડીને મેન્ટલ હોસ્પિટલમાં સારવારને લઈને કાર્યવાહી હાથ ધરશે.ss3kp