ઈસનપુર ફેઝલપાર્ક નજીક જુથ અથડામણ :દસ ઘાયલ
અમદાવાદ : શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાવ ખાડે ગઈ છે અને પોલીસની નિષ્ક્રિયતા પણ ઊડીને આંખે વળગી છે. આ સ્થિતિમાં ઝુંડા અને રીઢા આરોપીઓ તો ખરાં જ પરંતુ સામાન્ય નાગરીકો પણ નાની બાબતોને મોટું સ્વરૂપ આપીને એક બીજા ઊપર હિંસક હુમલા કરતાં ગભરાતાં નથી.
પોલીસનો જાણે કોઈ ખોફ જ ન હોય એમ શુલ્લક બાબતોમાં એકબીજા ઊપર હુમલા કરવામાં આવી રહ્યાં છે. વધુમાં લુખ્ખા તથા ગુંડા તત્ત્વો પણ પોતાનાં બદઈરાદા પાર પાડવા માટે લોકોને હેરાનગતિ થાય તેવા કામો કરી રહ્યાં છે. જા કંઈ નાગરીક દ્વારા તેનો સામનો કરવામાં આવે તો ટોળાબંધી કરીને નાગરીકો ઉપર હિંસક હુમલા કરવામાં આવે છે. ઊપરાંત બીજી રીતે તેમને માનસિક દબાણ કરવામાં આવે છે.
આ પરિસ્થિતિમાં મંગળવારે મોડી રાત્રે જુની અદાવતમાં ચંડોળ તળાવ નજીક આવેલાં ફેઝલ પાર્કની પાસે મોટી જુથ અથડામણ થઈ હતી. ચાલીસ જેટલાં લોકો તલવાર, ધારીયા, છરીઓ, બેઝબોલ તથા લાકડીઓ જેવાં હથિયારો લઈને એકબીજા ઊપર તુટી પડ્યા હતાં. આ ઘટનામાં દસથી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં છે.
જ્યારે કેટલાંકની પોલીસે અટક કરી છે. મોટી સંખ્યામાં હથિયારબદ્ધ લોકોનું ટોળું જાઈ વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. તથા હાહાકાર ફેલાઈ ગયો હતો. જાકે બાદમાં આવેલી પોલીસે આશરે વીસેક શખ્સોની અટક કરી છે.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે ઈસનપુર બીઆરટીએસ વર્કશોપની સામે આવેલા ફેઝલ પાર્કમાં રહેતાં મોહમંદ બિલાલ ફારુકભાઈ કુરેશી (ઉ.વ.૩૨) અને ઈન્દીરાનગર ખાતે રહેતાં બસીરભાઈ હાસમભાઈ શેખ વચ્ચે છેલ્લાં કેટલાંય સમયથી ગજગ્રાહ ચાલે છે. જેને લઇને અવારનવાર બંને વચ્ચે બબાલો થતી રહે છે.
મંગળવારે રાત્રે ૧૨ વાગ્યાનાં સુમારે બિલાલભાઈ પોતાનાં ઘર નજીક ઊભાં હતા એ સમયે કોઈ કારણોસર ફરીથી તેમને બસીરભાઈ સાથે ઝઘડો થયો હતો. જુની અદાવતને પગલે બંને વચ્ચેનો ઝઘડો ઊગ્ર બનતાં જાતજાતામાં બંનેના સાથીદારો તલવાર, ધારીયા, છરીઓ, લાકડી તથા બેઝબોલ લઈને નીકળી પડ્યાં હતાં. આશરે ચાલીસેક જેટલાં હથિયારબદ્ધ શખ્સો એકબીજાની સામસામે આવી જતાં તેમની વચ્ચે હિંસક અથડામણ થઈ હતી.
આ ઘટનાને પગલે વાતાવરણમાં તંગદીલી ફેલાઈ જતાં આસપાસનાં રહીશો ગભરાઈ ગયા હતાં અને વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. મધરાતે થયેલી આ જુથ અથડામણમાં બંને પક્ષે દસેક જેટલાં લોકો ઈજાગ્રસ્ત થયાં હતાં. દરમિયાન કોઈએ કંટ્રોલ રૂમને જાણ કરતાં પોલીસની ગાડીઓ આવી પહોંચતાં ટોળાને વિખેર્યા હતાં. જેમાંથી કેટલાંક હુમલાખોર શખ્સો ભાગી છુટ્યા હતા. જ્યારે વીસ જેટલાં ઈસમોને પોલીસે રાતભર કાર્યવાહી કરી ઝડપી લીધા છે. બીજી તરફ ફરાર શખ્સોને ઝડપી લેવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ઊપરાંત ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં સારવાર માટે મોકલી અપાયા હતાં.
જુથ અથડામણનાં મેસેજ મળતાં સ્થાનિક પોલીસ ઊપરાંત ઊચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા હતા. જ્યારે રાતભર પોલીસ પહેરો ગોઠવીને પીસીઆર વાન દ્વારા સતત પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. સૂત્રોનાં જણાવ્યાનુસાર બશીરભાઈએ ગેરકાયદેસર બાંધકામ કરતાં બીલાલભાઈએ સ્થાનિક રહીશોની સહીઓ લઈને બાંધકામ તોડી પાડવાની અરજીઓ કોર્પાેરેશનમાં આપી હતી.
જેની અદાવત રાખી બશીરભાઈએ પોતાનાં સાગરીતો સાથે મળીને હુમલો કર્યાનો આક્ષેપ બીલાલભાઈએ કર્યાે છે. જ્યારે પોતાનાં ભાણીયા સાથે થયેલાં ઝઘડાની અદાવત રાખીને બીલાલભાઈએ જુથબંધી કરી હુમલો કર્યાનો આક્ષેપ બશીરભાઈએ કર્યાે છે. જાકે પોલીસ ઝીણવટપૂર્વકની તપાસ ચલાવી રહી છે.