Western Times News

Gujarati News

ગુજરાતને પરિવહન અને ઊર્જા એમ બંને ક્ષેત્રે આર્ત્મનિભર બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રી

પાલનપુર,મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાલનપુરમાં ૨૯૭૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ૩૭.૮૨ કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત આઈકોનિક બસ પોર્ટનું લોકાર્પણ અને ૧૧૮ કરોડના ખર્ચે નિર્માણ થનારા વડગામ તાલુકાના સીસરાણા ૨૨૦ કે.વી. સબસ્ટેશનનું ઇ-ભૂમિપૂજન કર્યું હતું. રૂ. ૧૧૮ કરોડના ખર્ચે બનનારું સીસરાણા સબ સ્ટેશન બનાસકાંઠા જિલ્લાના ૨૪ હજાર ખેડૂતો સહિત કુલ ૧ લાખ ૨૦ હજાર ગ્રાહકોને સતત વીજ પૂરવઠો પુરો પાડવામાં ઉપયોગી બનશે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એસ.ટી. દ્વારા રાજ્યમાં આવા અદ્યતન સુવિધા સભર ૭ આઈકોનિક બસપોર્ટ પી.પી.પી. ધોરણે નિર્માણ થઈને પેસેન્જર સેવામાં કાર્યરત છે અને ૧૦ સેટેલાઈટ બસ પોર્ટ નિર્માણાધીન છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે કહ્યું કે, આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર લોકહિત, જનકલ્યાણ અને અંત્યોદયના કાર્યોને પ્રાધાન્ય આપે છે.

વિકાસના પાયામાં શિક્ષણ સ્વાસ્થ્ય અને સુરક્ષા એ ત્રણ બાબત મુખ્ય છે અને તે સૌને મળી રહે તેવું આયોજન સરકારે કર્યું છે. ગામડામાં સારા રસ્તા, સારી આરોગ્ય સેવા, પૂરતી વીજળી આપીને આપણે આ ત્રણેય ક્ષેત્રોમાં અનેક વિકાસ કામો વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં કર્યા છે એમ પણ તેમણે જણાવ્યું હતું. સામાન્ય માનવી, ગરીબ અને છેવાડાના લોકોને સુવિધા સરળતાથી મળે તેવો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈનો નિર્ધાર ૮ વર્ષોના તેમના સુશાસનમાં પાર પડ્યો છે તેમ મુખ્યમંત્રીશ્રીએ દ્રઢતાપૂર્વક જણાવ્યું હતું

મુખ્યમંત્રીશ્રીએ કોરોના મહામારી દરમિયાન એસ.ટી. નિગમના કર્મચારીઓએ આપેલી સેવાઓની સરાહના કરતાં કહ્યું કે ૨૩ હજાર બસ દ્વારા ૬.૯૯ લાખ મુસાફરોને લાભ આપનારા એસ. ટી. ના આ સેવકો અભિનંદનને પાત્ર છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ઘરે-ઘરે વીજળી પહોંચાડવાના રાજ્ય સરકારની સફળતાની વિસ્તૃત છણાવટ મુખ્યમંત્રીશ્રીએ કરી હતી.

૧૯૬૦માં ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારથી ૨૦૦૨ સુધીમાં ૭૦૨ વીજ સબ સ્ટેશન બન્યા હતા. બે દાયકામાં રાજ્યમાં ૧૫૪૯ નવા વીજ સબ-સ્ટેશન બન્યા છે એટલે કે દર વર્ષે એવરેજ ૭૮ વીજ સબ સ્ટેશન નિર્માણ થાય છે તેની વિગતો તેમણે આપી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગુજરાતને પરિવહન અને ઊર્જા એમ બંને ક્ષેત્રે આર્ત્મનિભર બનાવવાની પ્રતિબદ્ધતા મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે વ્યક્ત કરી હતી.HS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.