મે માસમાં દેશમાં સેન્ટ્રલ પૂલમાં ઘઉંનો સ્ટોક પાંચ વર્ષના તળિયે
નવી દિલ્હી, જે પ્રકારે અનુમાન લગાવાયું હતું તે મુજબ રવિ માર્કેટિંગ સીઝનમાં ઘઉંની સરકારી ખરીદી સંશોધિત લક્ષ્ય સુધી પણ નથી પહોંચી શકી. સેન્ટ્રલ ફુડગ્રેઈન્સ પ્રોક્યોરમેન્ટ પોર્ટલ (સીએફપીપી) પર ઉપલબ્ધ ડેટા પ્રમાણે આ સીઝનમાં ૧૮૭ લાખ ટન કરતાં પણ ઓછા ઘઉંની ખરીદી થઈ છે. જ્યારે સરકારનું સંશોધિત લક્ષ્ય ૧૯૫ લાખ ટનનું હતું.
ઓછી ખરીદીના કારણે મે મહિનામાં સેન્ટ્રલ પૂલમાં ઘઉંનો સ્ટોક ૫ વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયો છે. ભારતીય ખાદ્ય નિગમ (એફસીઆ)ના અહેવાલ પ્રમાણે આ વર્ષે મે મહિનામાં ઘઉંનો સ્ટોક ૩૦૩.૪૬ લાખ ટન હતો. મે મહિનામાં આનાથી ઓછો સ્ટોક વર્ષ ૨૦૧૭માં ૨૯૬.૪૧ લાખ ટનનો નોંધાયો હતો.ખરીદી વધારવા માટે સરકારે ૧૩ મેના રોજ ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લાગુ કરી દીધો હતો.
એ સમયે એવું માનવામાં આવતું હતું કે, ખેડૂતો પોતાની ઉપજ વેચવા માટે મંડીઓમાં આવશે પરંતુ તેમ ન બન્યું. નિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો ત્યાં સુધીમાં ૧૭૯.૮૯ લાખ ટન ઘઉંની સરકારી ખરીદી થઈ હતી. તાજેતરના ડેટા પરથી પ્રતિબંધ બાદ અત્યાર સુધીમાં ૭ લાખ ટન ઘઉંની ખરીદી થઈ હોવાનું જણાઈ રહ્યું છે.
ગત વર્ષે ઘઉંની ૪૩૪ લાખ ટન ખરીદીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે આ વર્ષે ૪૪૪ લાખ ટન ઘઉંની ખરીદી માટેનો લક્ષ્ય નિર્ધારિત કર્યો હતો.
જાેકે ત્યાર બાદ તેમાં સંશોધન કરીને લક્ષ્યાંક અડધાથી પણ ઓછો, ૧૯૫ લાખ ટનનો કરી દેવામાં આવ્યો હતો. આ વર્ષે ૧૭.૨૬ લાખ ખેડૂતોએ સેન્ટ્રલ પૂલ માટે ઘઉં વેચ્યા છે. અત્યાર સુધીમાં તેમાંથી ૧૫.૧૨ લાખ ખેડૂતોને ૩૩,૧૬૮.૭૪ કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવી છે.ઘઉંની ખરીદીમાં જાેવા મળેલા ઘટાડા પાછળ ૨ કારણો મુખ્ય હોવાનું માનવામાં આવે છે.
પહેલું તો રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઘઉંનો સપ્લાય ઘટ્યો છે અને કિંમતો ખૂબ જ વધી ગઈ છે. શરૂઆતમાં ભારતે પણ ઘઉંની નિકાસમાં તેજી દેખાડી અને સરકાર પણ તેના પર ભાર આપી રહી હતી. જાેકે ત્યાર બાદ માર્ચ મહિનાથી તાપમાન વધવાના કારણે ઘઉંના પાકને નુકસાન થવાથી દાણા સંકોચાઈ ગયા હોવાની જાણ થઈ હતી.
ખાસ કરીને ઉત્તરી રાજ્યોમાં આ સ્થિતિ સર્જાઈ હતી જેથી કુલ ઉત્પાદન ઘટ્યું હતું. ખરીદી વધારવા માટે સરકારે ૧૫ મેના રોજ નિયમોમાં ઢીલ આપી હતી અને ૧૮ ટકા જેટલા સંકોચાયેલા દાણાઓને કિંમતમાં કોઈ પણ પ્રકારના કાપ વગર સ્વીકારવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. તેમ છતાં ખરીદીમાં કોઈ તેજી નહોતી
નોંધાઈ. પંજાબ અને ઉત્તર પ્રદેશના ખેડૂતોએ ઉત્પાદનમાં ૧૫થી ૨૦ ટકા સુધીના ઘટાડાનું જણાવ્યું હતું.
તે સંજાેગોમાં દેશમાં ઘઉંની ઉપલબ્ધતા સ્થિર રાખવા માટે સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મુકવો પડ્યો હતો. જાેકે સરકારે પોતાની તરફથી ઘઉંના ઉત્પાદનના અંદાજમાં હજુ સુધી કોઈ ખાસ ઘટાડો નથી કર્યો. અગાઉ ૧૧.૧૩ કરોડ ટન ઘઉંના ઉત્પાદનનો અંદાજાે હતો જેને ઘટાડીને ૧૦.૬ કરોડ ટન કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૦-૨૧માં ૧૦.૯૬ કરોડ ટન ઘઉંનું ઉત્પાદન થયું હતું.
સીએફપીપીના અનુસાર નિકાસ પર પ્રતિબંધ છતાં પણ પંજાબમાંથી ઘઉંની સાવ નગણ્ય ખરીદી થઈ છે. ડેડલાઈન લંબાવવા છતાં પણ પંજાબમાંથી ખરીદીનો આંકડો ૯૭ લાખ ટન પણ નથી થઈ શક્યો. અન્ય પ્રમુખ ઉત્પાદક રાજ્યોમાં મધ્ય પ્રદેશ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાંથી પણ નિકાસ પરના પ્રતિબંધ છતાં ખૂબ ઓછી ખરીદી થઈ છે.જાણકારોના મતે ખરીદી ઓછી થવા પાછળનું અન્ય એક કારણ એ પણ હોઈ શકે કે, ખેડૂતો ભવિષ્યમાં વધુ સારી કિંમત મળવાની આશાએ પોતાની ઉપજ વેચવા નથી ઈચ્છતા. જાે આ કારણ હોય તો, આગામી દિવસોમાં ઘઉંની કિંમતોમાં ભારે ઘટાડાની શક્યતા ઓછી હોવાનો સંકેત મળે છે.SS2KP